આણંદઃ ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ‘એનઆરઆઈ સેતુ રત્ન’ એવોર્ડથી વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોનું સન્માન કરાય છે. આ વર્ષે સન્માન સમારોહ વડોદરામાં ૨૮મી નવેમ્બરે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં કુલ ૧૨ મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પૈકી ધર્મજ (ચરોતર)ના રાજેશ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૨ વર્ષથી ઉજવાતા ‘ધર્મજ ડે’ના પ્રણેતા રાજેશ પટેલ દેશ-વિદેશમાં રહેતા બિનનિવાસી વતનીઓને વતન ધર્મજમાં દર વર્ષે એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય કરે છે.
‘એનઆરઆઈ સેતુ રત્ન’ના મંત્રી રમેશભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, રાજેશભાઈ લેખન, સમાજસેવા અને રાજકારણનો ત્રિવેણી સંગમ છે. રાજેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ કોઈ વ્યક્તિનું નહીં, પણ વિચારનું સન્માન છે. ‘ધર્મજ ડે’ વિશે તેમણે જણાવ્યું કે, આ દિવસની ઉજવણી માટે સમગ્ર ટીમ ધર્મજ ખૂબ જ મહેનત કરે છે અને ટીમ સતત કાર્યરત હોય છે. તેથી આ સન્માન પણ ટીમ ધર્મજનું છે.
‘એનઆરઆઈ સેતુ રત્ન’ સંસ્થાના સંચાલકોમાં પી. કે. લહેરી, ડો. બ્રિજેશ પટેલ, રમેશભાઈ તન્ના તથા અન્ય વ્યક્તિઓ છે. આ પ્રસંગે મહેમાનોમાં અશોકભાઈ ગોકુલદાસ પટેલ (એનઆરઆઈ) તથા ચાંગાસ્થિત ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજભાઈ એસ. જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.