ધર્મજઃ ગુજરાતનું જ નહીં સમગ્ર દેશના સૌથી સંપત્તિવાન ગામ એવા ધર્મજમાં ઉંઝાના દંપતી દ્વારા કોટક મહિન્દ્રા બેંકના નામે અંદાજે રૂ. ૨૩ લાખની છેતરપિંડી આચરાઇ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. કનક શાહ નામના વ્યક્તિએ ઓક્ટોબર ૨૦૧૯માં મકાન અને દુકાન ભાડે રાખીને કોટક મહિન્દ્રા બેંકના નામે બોગસ બ્રાંચ ખોલીને આ છેતરપિંડી આચરી છે.
આણંદના જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણે કહે છે કે આ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ અમને મળી નથી. જો કોઈ ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું. બીજી તરફ, એક અખબારમાં છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી અંગેની વિગતો જાહેર થઇ છે.
‘પછી બેંકના નામે ટ્રાન્સફર કરીશું...’
આ મામલે ગામના કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગામના એક ડોક્ટર રૂ. બે લાખની એફડી કરવા માગતા હતા. જેથી કનક શાહે કહ્યું કે તમે અમારા કર્મચારીના નામનો ચેક લખીને આપી દો. જેથી ડોક્ટરે કહ્યું કે કર્મચારીના નામનો ચેક કેમ લખું, હું તો બેંકના નામનો ચેક આપું. આથી કનક શાહે કહ્યું કે થોડા દિવસમાં રજિસ્ટ્રેશન થઈ જાય પછી તેમાં ટ્રાન્સફર કરી લઈશું.
જોકે ડોક્ટર કર્મચારીના નામે ચેક લખવા તૈયાર ન થતા કનક શાહને આ ભોપાળું ખુલ્લુ પડવાની ગંધ આવી જતાં બે દિવસ પહેલા જ તેઓ નાસી ગયા છે. તમામ ડિપોઝિટ લેવા માટે કર્મચારીઓ પોતાના નામે જ ચેક સ્વીકારતા હતા.
ભાડા કરાર પણ ન કર્યો
ઓક્ટોબરમાં કનક શાહે એક દુકાનદારને કહ્યું કે મારે બેંકનું કામ કરવાનું હોવાથી એક જગ્યા ભાડે લેવાની છે. જેથી આ દુકાનદાર ભાઈએ એક જગ્યા બતાવી અને રૂ. ૪૫૦૦ના ભાડે રાખી હતી. તેમજ કનક શાહે જગ્યા બતાવનારા ભાઈને કહ્યું કે તમારા દીકરાને મેનેજર બનાવી દઈશ. જેથી આ છોકરાએ એમ કહ્યું એક મારા મિત્રને પણ નોકરી અપાવો. આમ બન્ને યુવાનોને બોગસ બેંકના કર્મચારી બનાવ્યા. જ્યારે જગ્યા ભાડે આપનારને કનક શાહે આધાર કાર્ડ આપીને કહ્યું કે મને બેંક જ જગ્યા આપવાની છે તો ભાડા કરાર કરવાની શું જરૂર છે અને જગ્યાનો માલિક તેની વાતમાં આવી ગયો. જોકે એક મહિનાનું ભાડું લીધું ત્યાં બીજા મહિને તો કનક શાહ નાસી ગયો.
પહેલા મહિને રૂ. ૧૦ લાખનો ટાર્ગેટ
આ પહેલા કનક શાહે ૨૧ ઓક્ટોબરના રોજ ગામલોકોને ઓપનિંગમાં જલેબી-ભજીયા ખવડાવીને બોગસ બ્રાન્ચનું ઉદ્ધાટન કર્યું. આ સમયે કનક શાહની પત્ની પણ આવી હતી. જોકે ત્યાર બાદ તેની પત્ની પ્રિયા ક્યારેય જોવા મળી નથી. સ્થાનિકો વિદેશમાંથી આવતા પૈસા એકથી દોઢ ટકા વ્યાજે ફેરવે છે. જેથી કનક શાહે લોકોને કહ્યું કે અમુક પૈસાનું રોકાણ કરો, બેંકના ડિપોઝિટ વ્યાજ કરતા એક ટકો વધુ વ્યાજ આપીશ. જેથી લોકોએ પોતાની સાથે સાથે ઓળખીતાઓને પણ રોકાણ કરાવ્યું. તેમજ નોકરી કરી રહેલા બન્ને કર્મચારીઓને ટાર્ગેટ આપીને કહ્યું કે આટલો ટાર્ગેટ પુરો કરો એટલે પગાર આપીશ. પહેલા મહિને ૧૦ લાખનો અને બીજા મહિને ૧૨ લાખનો ટાર્ગેટ આપ્યો, પણ ટાર્ગેટ પુરો થયો નહીં. તેમજ એફડી માટે ઓછામાં ઓછા રૂ. બે લાખ લેતા હતા. તેનાથી ઓછા પૈસા લેતા નહોતા. આમ કુલ ૨૩ લાખની છેતરપિંડી થઈ હોવાનું મનાય છે.
છેતરપિંડી છતાં ફરિયાદ નહીં
ગામમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, નકલી બેંકમાં કામ કરનારા બન્ને યુવાન કર્મચારીઓની વિદેશ જવા માટેની ફાઈલ ચાલી રહી હોવાથી કંઈ પણ બોલવા તૈયાર નથી. તેમજ વિદેશથી આવેલું કાળુ નાણું હોવાથી છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પણ ૨૩ લાખની છેતરપિંડી થઈ હોવા છતાં પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી. જોકે આ વાતની કોઈ પુષ્ટી કરતું નથી.
કનક શાહ ઉંઝાનો રહેવાસી
કનક શાહ મૂળ ઉંઝાનો રહેવાસી અને તમાકુનો વેપારી છે. જેથી વેપારીઓના સંપર્કોને કારણે તેને જગ્યા મળવાથી લઈ ડિપોઝીટના નાણાં પણ મળવા લાગ્યા હતા. કનક શાહ માત્ર સિક્યુરિટીઝ નહીં ફ્લાઈટની ટિકિટ્સ બૂક કરવાથી લઈ બીજા અનેક કામ કરતો હતો.
ધર્મજ ઈન્વેસ્ટર્સનું ગામ
ધર્મજ હાલ ૧૩-૧૪ હજારની વસતી ધરાવતું ગામ છે. જેમાંથી પાંચ હજાર લોકો હાલ ગામમાં વસવાટ કરે છે, જ્યારે બાકીના લોકો વિદેશમાં રહે છે. ગામમાં વિવિધ બેંકોની ૧૩ બ્રાન્ચ આવેલી છે. તેમજ ગામમાં લગભગ કોઈ લોન લેતું નથી, પરંતુ એફડી કરે છે અને ગામની વિવિધ બેંકોમાં રૂ. ૧૫૦૦ કરોડ જમા થયેલા છે. જેથી આ ગામ ઈન્વેસ્ટર્સ ગામ તરીકે પણ જાણીતું છે. ગામના લગભગ દરેક પરિવારમાંથી એક વ્યક્તિ વિદેશમાં છે. કહેવાય છે કે, આ ગામમાંથી દુનિયાના મોટા ભાગના દેશોમાં એક વ્યક્તિ રહે છે. આ ગામના ૧૫૦૦ જેટલા પરિવાર બ્રિટનમાં, ૨૦૦થી વધુ કેનેડામાં અને ૩૦૦થી વધુ અમેરિકામાં રહે છે. ધર્મજના પાકા અને સ્વચ્છ રસ્તાઓ પર લેટેસ્ટ મોડેલની લક્ઝુરિયસ કાર દોડતી જોવા મળે છે.