વડોદરાઃ વૈષ્ણવ સંપ્રદાયના પૂ. ઇન્દિરાબેટીજીના અવસાન પછી તેમની માલિકીના મકાનનો સોદો કરવા બદલ પોલીસે બે બહેનોની ધરપકડ કરી હતી. જે પૈકી એક બહેને અદાલતમાં દાવો દાખલ કરી ઇન્દિરાબેટીજીના આખરી વિલમાં જણાવ્યા પ્રમાણેના કાર્યો કરતા કોઇ અટકાવે નહીં તેવી માગણી કરતો દાવો સિવિલ કોર્ટમાં કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે, માંજલપુરની સુંદરમ્ સોસાયટીમાં રહેતા સમાબેન પીયુષભાઇ શાહે સિવિલ કોર્ટમાં (૧) મદનલાલ હસ્તીમલ રાઠી (રહે. સુંદરકુંજ સેન્ટર એવન્યુ રોડ ચેમ્બૂર મુંબઇ) (૨) પૂ. વ્રજરાજકુમાર ડી. ગોસ્વામી (૩) પૂ. ધ્રુમિલકુમાર ગોસ્વામી (બંને રહે. શ્રી ગોવર્ધનનાથજીની હવેલી કારેલીબાગ) (૪) શર્મિષ્ઠાબેન વકીલ (રહે. શ્રેણિકપાર્ક સોસાયટી, અકોટા) (૫) કેવલકૃષ્ણ તુલી (પેરામાઉન્ટ લિ. નટુભાઇ સર્કલ પાસે) અને (૬) ગોપાલકૃષ્ણ ચતુર્વેદી (રહે. યમુના પેલેસ મથુરા યુપી) વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, હું અમેરિકા રહેતી હતી અને કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ પણ અમેરિકામાં કર્યો છે. હું, માતા-પિતા તથા બહેન સેજલ અને ભાઇ સાથે રહેતા હતા. હું જન્મથી જ વૈષણવ સમાજની સંસ્કૃતિ સાથે જોડાયેલી છું. પૂ. ઇન્દિરાબેટીજી સાથે પરિચત થયા બાદ મેં અને મારી બહેન સેજલે સમગ્ર જીવન ધાર્મિક અને સત્સંગી બનીને જીવવાનું નક્કી કર્યું હતું.
વર્ષ ૧૯૭૬થી હું પૂ. ઇન્દિરાબેટીજીને એક સાચા ધર્મગુરુ તરીકે ઓળખું છું. એપ્રિલ ૧૯૯૦માં ઇન્દિરાબેટીજી સાથે અમેરિકામાં મુલાકાત થયા પછી મારા જીવનનો મુખ્ય હેતુ પૂ. ઇન્દિરાબેટીજીની સેવાનો જ હતો અને વર્ષ ૧૯૯૭થી હું પરિવાર સાથે વડોદરામાં સ્થાયી થઇ હતી. ૩૦-૯-૨૦૧૬ના રોજ પૂ. ઇન્દિરાબેટીજી દેવલોક પામ્યા હતા. તેમની હયાતીમાં છેલ્લું વીલ ૧-૧૧-૨૦૧૫ના રોજ બનાવ્યું હતું. આ વીલના વાંચન સમયે એકિઝક્યુટિવ તરીકે હું, પુ. વ્રજરાજકુમાર, શર્મિષ્ઠાબેન વકીલ અને કેવલકૃષ્ણ તુલી હતા. વિલનું પ્રોબેટ લેવાની કાર્યવાહી પૂ. વ્રજરાજકુમારજીના આગ્રહને વશ થઇને કરી ન હતી.
ત્યારબાદ વિલમાં જણાવ્યા મુજબની મિલકતના વેચાણ માટે મારા તથા મારી બહેન સામે ખોટી રીતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આખરી વિલમાં જણાવ્યા મુજબના કાર્યો
કરતા અમને અટકાવવામાં આવ્યા હતા.
આખરી વિલમાં જણાવેલા કાર્યો કરતા મને કોઇ રોકે નહીં અને મારા હક્ક કે અધિકારને નુકસાન પહોંચાડવાનો પ્રતિવાદીઓને કોઇ અધિકાર નહીં હોવાનું ઠરાવી આપવાની માગણી છે. અદાલતે
તમામ પ્રતિવાદીઓ વિરુદ્ધ નોટિસ ઇશ્યુ કરી આગામી ૧૨મી ડિસેમ્બરે વધુ સુનાવણી મુલતવી રાખી છે.