નડિયાદઃ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપભાઈ શાહે (શેઠ) ૨૧મી ઓગસ્ટે બપોરે ગુતાલમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ખાટલામાં બેસીને લાયસન્સવાળી સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક ભીંસના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. મૃતકના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઈડ નોટ પોલીસે કબજે લઈ કાર્યવાહી આગળ ચલાવી છે. કઠલાલ વતની અને નડિયાદમાં રહેતા તથા નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ રમણિકલાલ શાહ (શેઠ) (ઉ. ૬૫) ૨૧મી ઓગસ્ટે સવારે કાર લઈને ફાર્મ હાઉસ ગુતાલ ગયા હતા. બપોરે ૧૨ વાગ્યાના અરસમાં ફાર્મ હાઉસમાં નાની બેગ લઈને રૂમની ઓસરી બહાર ખાટલામાં બેઠા હતા. અડધો કલાક બાદ દિલીપભાઈએ પોતાની ભૂરી બેગમાં પોતાની લાયસન્સવાળી સર્વિસ રિવોલ્વરથી માથાની જમણી બાજુ કાનની ઉપરના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
રિવોલ્વરના અવાજથી વોચમેન અને તેમનો પરિવાર સ્થળ પર દોડી ગયા હતા. આ અંગેની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક દિલીપભાઈના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઈડ નોટ કબજે લઈને તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. મૃતક દિલીપભાઈએ ૧૦મી જાન્યુઆરી, ૧૯૯૯થી ૯મી જાન્યુઆરી, ૨૦૦૦ સુધી નડિયાદ પાલિકાના પ્રમુખ તરીકે પણ પોતાનો વ્યવસાય વિકસાવ્યો હતો.