નડિયાદ: બીજ ગણિતનાં સમીકરણો સોલ્વ કરવા માટે ૭૦ વર્ષ જૂની ‘ફિક્સ્ડ પોઇન્ટ ઇટરેશન મેથડ’ પ્રચલિત છે. જે બીએસસી તથા એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં છે. પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના નડિયાદના વિદ્યાર્થી ધૈર્ય રિખિલભાઈ શાહે આ મેથડમાં રહેલા ગેપને શોધીને તે અંગેનું સંશોધનપત્ર તૈયાર કર્યું હતું. લંડનમાં તાજેતરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એન્જિનિયર્સ (આઇએઇએનજી) દ્વારા યોજાયેલી કોન્ફરન્સમાં વિદ્યાર્થી ધૈર્યએ ‘ન્યુમેરિકલ એનાલિસીસ ફિક્સ પોઇન્ટ ઇટરેશન મેથડ’ પર સંશોધનપત્ર રજૂ કર્યું હતું, જેને કોન્ફરન્સમાં સ્વીકૃતિ પણ મળી છે. આ કોન્ફરન્સમાં ૩૦ દેશના લોકોએ ભાગ લીધો હતો. દેશમાંથી ફક્ત બે જ વ્યક્તિને આમંત્રણ હતાં. આ સુધારો વિજ્ઞાન, ગણિત અને એન્જિનિયરિંગ શાખાઓની શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ માટે અતિ ઉપયોગી હોવાનું વિષય નિષ્ણાતોનું માનવું છે. ધૈર્યએ ન્યુમેરિકલ એનાલિસીસ પૂરું કરવા ૯ મહિના સુધી સંશોધન કર્યું હતું. સંશોધનપત્રની ગુગલે પણ નોંધ લીધી છે.
ઘાત વધે તો સોલ્યુશન અઘરું
ધૈર્યના સંશોધન પ્રમાણે સમીકરણોમાં જેટલી ઘાત વધે તેમ તેનું સોલ્યુશન અઘરું.‘ફિક્સ્ડ પોઇન્ટ ઇટરેશન મેથડ’માં સમીકરણ સોલ્વ કઈ રીતે કરવા તેનાં સ્ટેપ્સ આપ્યાં છે. આ મેથડનો અભ્યાસ કરતી વખતે તેમાં રહેતો ‘ગેપ’ ધ્યાનમાં આવ્યો હતો. પીડીપીયુના પ્રોફેસર ડો. મનોજ સાહનીના માર્ગદર્શનથી આ ‘ગેપ’ દૂર કરાઈ હતી.
ગ્રેજ્યુએશન લેવલનું સંશોધન
ભવન્સ કોલેજ ઓફ સાયન્સના ગણિતશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. ડો. રવિ બોરણા જણાવે છે કે આ સંશોધન ગ્રેજ્યુએશન લેવલનો છે. આ સંશોધનમાં ઇટરેશનની સંખ્યા ઓછી થતી હોવાથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ઉપયોગી બનશે.