નડિયાદના વિદ્યાર્થીનું જર્મનીમાં રહસ્યમય મોત

Monday 06th July 2015 08:06 EDT
 

નડિયાદઃ છેલ્લા ઘણા સમયથી વિદેશમાં ભારતીયોના અપમૃત્યુની અનેક ઘટના બની છે. આ સ્થિતિમાં જર્મનીમાં નડિયાદના એક વિદ્યાર્થીનું રહસ્યમય મોત થયું છે. અંકુર નામનો આ યુવકે વધુ અભ્યાસ માટે જર્મનીની ટીયુએચએચ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું ને ટૂંક સમયમાં ભારત પરત આવવાનો હતો. પરંતુ તે પહેલા જ યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં તેનું ભેદી સંજોગોમાં મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો છે.

આ ઘટના બન્યા પછી જર્મન સત્તાવાળાઓએ ત્યાંની ઈન્ડિયન એમ્બેસીને યુવકનો મૃતદેહ સોંપ્યો હતો. અંકુરના પરિજનોને તેનો મૃતદેહ વતન મોકલવાની માગણી કરી છે. દરમિયાન કેસની ગંભીરતા જોતા જર્મન સત્તાવાળાઓએ જરૂરી દસ્તાવેજ માગતા તેને ઈ-મેઈલથી મોકલી અપાયા હોવાનું અંકુરના સ્વજન સુધીરભાઈ માંડલે જણાવ્યું હતું.

ચકલાસીના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ વાઘેલાનું નિધનઃ ચકલાસીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વાહનવ્યવહાર પ્રધાન શંકરભાઈ વાઘેલા (૮૫)નું બિમારી બાદ ગત સપ્તાહે અવસાન થયું છે. કોંગ્રેસના પાયાના કાર્યકર એવા શંકરભાઇ ચકલાસી બેઠક ઉપર ૧૯૮૯થી ૨૦૦૭ સુધી સતત પાંચ ટર્મ સુધી ચૂંટાયા હતા. ૧૯૬૮માં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે જનતા મોરચાના એચ.એમ. પટેલને તેમણે હરાવ્યા હતા. આ બેઠકને તેમણે કોંગ્રેસનો ગઢ બનાવી હતી. જોકે, કમનસીબે ચકલાસી બેઠક મહુધા બેઠકમાં વિલીન થતાં કોંગ્રેસે તેમને ટીકીટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પછીથી તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ સાત વખત ધારાસભ્ય બન્યા હતા. ઉંમરને કારણે છેલ્લાં ઘણાં સમયથી તેમનું આરોગ્ય કથળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter