છોટા ઉદેપુરઃ સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં યુવક ઘોડે ચઢીને પરણવા માટે યુવતીના ઘરે જતો હોય છે ગુજરાતના એવા ત્રણ ગામ છે જ્યાં વરરાજાને બદલે તેની બહેન જાન લઇને પરણવા જાય છે. છોટા ઉદેપુરમાં આવેલા સુરખેડા, અંબાલા અને સનાડા ગામમાં છેલ્લા ૩૦૦ વર્ષથી કોઇ પણ છોકરો જાન લઇને પરણવા જવાનો પ્રયત્ન કર્યાં નથી. વરરાજાની જેમ તૈયાર થઇને કુવારીકા ઘરના સભ્યો સાથે વરઘોડો લઇ પરણવા જાય છે. લગ્નની વિધિ પ્રમાણે યુવતી તેની ભાભી સાથે લગ્નના મંડપમાં લગ્નની વિધિ પૂરી કરી સાત ફેરા ફરીને વિધિવત રીતે મંગળસૂત્ર પણ પહેરાવે છે.
સમાજની વિધિ પણ આદિવાસી સમાજ જેવી જ હોય છે. જેમાં લગ્ન પહેલાં માંડવો બંધાય છે. વરઘોડો નીકળે છે. જાન પણ જાય છે અને લગ્નગીતો પણ ગવાય છે. સ્થાનિક વડવાઓના જણાવ્યા અનુસાર, અમરાદેવ કુંવારા રહી જવાથી અમારા દીકરાઓ લગ્ન મંડપે જઇ શકતાં નથી. બધા જ દેવોના લગ્ન કરવામાં દેવ કુંવારા રહી ગયા હતા. સ્થાનિકોમાં એવી માન્યતા છે કે, આ ગામનો કોઇ યુવક ઘોડે બેસીને લગ્ન મંડપ જાય તો તેનું લગ્નજીવન સફળ થતું નથી અથવા સંતાનપ્રાપ્તિ થતી નથી. તેથી ભાઈની જગ્યાએ બહેન ભાભીને પરણવા જાય છે.
સુરખેડા, અંબાલા અને સનાડા ગામમાં રાઠવા સમાજના લોકો વસે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સુરખેડા ગામે ઇસપાડીયા અથવા વહતાડીયો દેવ છે. આ દેવ મુખ્યત્વે દુલ્હન સાથે વાત કરી યુવકની ભલામણ કરે છે. જેને સ્થાનિકો ભાંજગડીયો દેવ તરીકે પણ ઓળખાય છે. અંબાલા ગામે ભરમા અથવા ડાયરો દેવની પૂજા કરે છે. જે ઇસપાડીયા દેવની સલાહ લીધા બાદ પૂછપરછ કરે અને સગપણનો ખરખરો કરે તેવી માન્યતા છે. જ્યારે સનાડા ગામે સનાડીયો અથવા હુલા કાઢવાવાળો દેવ તરીકે પુજાય છે. જે દેવ લાડી અંગે જાણકારી મેળવનારા દેવ તરીકે પુજાય છે. આ અંગે અંબાલાના સરપંચ વેચનભાઇ રાઠવા કહે છે કે, ગુજરાતમાં અમારા રાઠવા સમાજના અનેક ગામો છે, પણ અંબાલા, સુરખેડા અને સનાડા ગામમાં જ દીકરાને બદલે તેની બહેન જાન લઇને જાય એવો રિવાજ છે. અમારો દેવ કુંવારો હોવાથી ગામનો કોઇ પણ યુવાન જાન લઇને જઇ શકતો નથી. વર્ષોથી ચાલી આવતી આ લગ્ન પ્રથાને આજેય અમે નિભાવીએ છીએ.