અમદાવાદઃ પોતાના ફિયાન્સ સાથે નવેમ્બરની ૨૮ તારીખે સાંજે ઉર્સના મેળામાં ગયેલી ૧૪ વર્ષીય સગીરાને વડોદરાના નવલખી મેદાનમાંથી ઝાડીઓમાં લઇ જઇને તેની પર દુષ્કર્મ આચરનારા બે નરાધમોને ૮મી નવેમ્બરે અમદાવાદ ક્રાઈમબ્રાંચે પકડી પાડ્યા છે. રવિવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરી ક્રાઇમ બ્રાંચે જણાવ્યું હતું કે, વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય કિશન કાળુભાઇ માથાસુરિયા અને ૨૧ વર્ષીય જશા વનરાજ સોંલકીની નવલખી દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાઈ છે. મોબાઇલ લોકેશન તથા સીડીઆર, સીસીટીવી ફૂટેજ અને દુષ્કર્મની ઘટના બની તે જગ્યાની આસપાસ રહેતા કે ધંધો કરતા લોકોની પૂછપરછના આધારે બંનેની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાંચે જણાવ્યું કે, મોબાઇલ લોકેશનના આધારે ૭મી ડિસેમ્બરે વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા યુવકની પૂછપરછ કરી હતી. આ યુવક પાસેથી સગીરા સાથે ફરવા જનારા તેના મિત્રના એક્ટિવાની ચાવી મળી હતી. બંને યુવકોએ દુષ્કર્મ કર્યું ત્યારે સગીરાનો મિત્ર એક્ટિવા પર ભાગી અન્ય કોઇને જાણ ન કરી દે તે હેતુથી તેની પાસેથી એક્ટિવાની ચાવી આ નરાધમોએ લઇ લીધી હતી. આ ચાવી મળતાં યુવકની આકરી પૂછપરછ કરતાં તેની સાથે દુષ્કર્મમાં સાથ આપનારા તરસાલીના જ અન્ય યુવકની ઓળખ આપી હતી. ક્રાઇમ બ્રાંચના દાવા મુજબ આરોપીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા તે પછી બંને યુવકો પકડાઇ ન જાય તે માટે ઘરની બહાર જ નીકળ્યા નહોતા જેથી તેમને પકડવામાં દિવસો નીકળી ગયા હતા.
૮ સેકન્ડનો કોલ
ક્રાઇમબ્રાંચે જણાવ્યું કે, ઘટના સમયે આજુબાજુના લોકેશનમાં એક્ટિવ હતા તેમાંથી આરોપીના ફોન પરથી માત્ર આઠ સેકન્ડ માટે એક કોલ કરાયો અને આ નંબરને ટ્રુ કોલર પર સર્ચ કરતાં તેમાં રહેલો ફોટો આરોપીના સ્કેચ સાથે મળતો હતો. તેના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
‘બીડી પીણી..!’નો સંવાદ
દુષ્કર્મ વખતે બંને આરોપી પૈકીના એક આરોપીએ અન્યને ‘બીડી પીણી’ એવું પૂછયું હતું. તેણે ઈનકાર કર્યો હતો. ‘બીડી પીણી’ શબ્દ સાંભળીને પીડિતાએ અનુમાન કર્યું કે, આરોપીઓ મારવાડી ભાષા બોલતા હતા, પરંતુ આ એક શબ્દ રેપિસ્ટો સુધી પહોંચવામાં મહત્ત્વની કડી સાબિત થયો હતો. આરોપીઓ નજીકમાં જ બે પગ ઉપર બેસીને બીડી પીતા હોઈ શકે એ આ સંવાદ પરથી સ્પષ્ટ થયું હતું.
વધુમાં પોલીસે જણાવ્યું કે, બંને યુવકોના નામે અગાઉ વડોદરાના પોલીસ સ્ટેશનમાં ઘરફોડ તથા મારામારીના ગુના પણ નોંધાયેલા છે. તારાપુરનો કિસન માથાસુરિયા અને જસદણનો જશો સોલંકી ફુગ્ગા વેચીને તક મળે ત્યારે ચોરી કે ઘરફોડનું કામ કરતાં હતાં.