વડોદરાઃ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ૧૨૫મી જન્મજયંતિના વર્ષની થઇ રહેલી ઉજવણીના ભાગરૂપે વડોદરામાં ગત સપ્તાહે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું હતું. જેમાં નહેરુની રાજકીય પ્રતિભા, નીતિઓનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતાં જાણીતા પોલિટીકલ ફિલોસોફર તથા એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકે અત્યાર સુધીની કાર્યપદ્ધતિ કેટલાક મુદ્દામાં નહેરુની કામગીરી સાથે સમાન ગણાવી હતી.
સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ-સેવાસી ખાતે આ સેમિનારનું ઉદ્દઘાટન કરતાં લોર્ડ પારેખે જણાવ્યું હતું કે, નહેરુના રાજકારણમાં દેશના વિકાસ અને સમાજમાં પરિવર્તનની એક વિચારધારા હતી. તેમણે રાષ્ટ્રીય એકતા, સંસદીય લોકશાહી, ઔધોગિકરણ, નોનએલાઇનમેન્ટ, બિનસાંપ્રદાયિક્તાવાદ, સમાજવાદ, વૈજ્ઞાનિક વિચારણા જેવા સાત મુદ્દા રજૂ કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતનું મિશન હાથમાં લીધું, તેમાં નહેરુએ આપેલા મંત્રનાં લક્ષણો જોવા મળે છે તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતુ કે, સફાઇ અભિયાન શરૂ થયું તેની સાથે ઇતિહાસકારોને પંડીત નહેરુની યાદ આવી.
નહેરુને સફળતા મળી તેના કરતાં વધુ નિષ્ફળતાઓ પણ વધુ મળી છે. ગાંધીજીની ઇચ્છા નહી હોવા છતાં તેમણે આધુનિકતાનો પાયો નાખ્યો હતો. પંડીતજી સીલેક્ટેડ સેક્યુલારિસ્ટ હતા. નહેરુની ત્રણ ભૂલો જણાવતાં તેમણે કહ્યું હતું કે, તેમણે કોંગ્રેસને સુધારવાનો કદાપી પ્રયાસ કર્યો નથી. તેવી જ રીતે તેમની કેબિનેટમાં સરદાર પટેલ સિવાય અન્ય કોઇને આગળ લાવવાનો પ્રયાસ થયો નથી. તેવી જ રીતે બ્યુરોક્રેસી પર બહુ જ આધાર રાખ્યો હતો.
ઓબામાની મુલાકાતથી ભારત નહીં અમેરિકાને ફાયદો
લોર્ડ ભીખુ પારેખે કહ્યું હતું કે, ઓબામાની મુલાકાતથી ભારત કરતાં વધુ ફાયદો અમેરિકાને થશે. આજે જે રીતે અમેરિકામાં વસતા ભારતીયો ત્યાં પ્રગતિ કરી રહ્યા છે, અમેરિકામાં ભારતીયોએ પણ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમાં પણ હવે ત્રાસવાદના મુદ્દે અમેરિકા જે લડાઇ લડી રહ્યુ છે તેમાં ભારતનો સહકાર લેવો અનિવાર્ય છે. કેટલાક કિસ્સામાં ચીન ઘણું આગળ વધી ગયું છે. તેવા સંજોગોમાં ભારત સાથે સંબધ વધુ ગાઢ બનાવ્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ જ નથી.