સુરતઃ વડોદરાના નાંદોદ તાલુકામાં આવેલી ૩૦૦ એકર જમીનના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરેલીના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના સ્વામી વિષ્ણુચરણદાસની ધરપકડ કરી છે. જમીનના બની બેઠેલા માલિકોએ નવસારીના મધુ કીકાણીને બોગસ દસ્તાવેજથી જમીન પધરાવી હતી અને પછી સ્વામી સાથે એ જમીનનો સોદો કરાવ્યો હતો. ચીટરો સાથે કથિત સાઠગાંઠ ધરાવતા સ્વામીએ રોકડા સવા લાખ આપ્યા હતા અને પાંચ કરોડ રૂપિયાના ચેક લખી આપતાં વિશ્વાસમાં આવી ગયેલા મધુ કીકાણી આ ચીટર ટોળકીને રૂ. ૨.૧૦ કરોડ ચૂકવીને તેમની જાળમાં ફસાયા હતાં.
સીઆઇડી ક્રાઇમના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે નવસારીના છાપરા રોડ ઉપર આવેલા મણિનગર સોસાયટીમાં કહેતાં મધુભાઇ ભીમજીભાઇ કીકાણી જમીન લે-વેચનું કામ કરે છે. જમીન દલાલીનું કામ કરતાં મનહર ચોપડા અને રમેશ ઠુમ્મરે મધુભાઇને મળીને વડોદરા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢેફા ગામે ૩૦૦ એકર મોકાની જમીન હોવાની વાત કરી હતી. ઘનશ્યામ હરદાસ પટેલ આ જમીનના માલિક હોવાનું જણાવીને આરોપીઓએ તેમની પાસેથી આ જમીન ખરીદીને ઉંચા ભાવે અન્યને વેચવાની લોભામણી સ્કીમ મધુભાઇ કિકાણી સમક્ષ રજુ કરી હતી. આ દરમિયાન આરોપી ટોળકીના જ ભરત મનજી ગઢાદરા (ભાવનગર)એ મધુભાઇને મળીને એવું જણાવ્યું હતું કે અમરેલીના દામનગરમાં સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ નામે સ્કૂલ ચલાવતાં સ્વામી વિષ્ણુચરણદાસજી ઢેફા ગામની જમીન તમારી પાસેથી ખરીદવા માંગે છે.
જમીનની ખરીદી સાથે સાથે જ વેચાણનો બારોબાર સોદો થઇ જતો હોવાથી મધુભાઇ કીકાણીને સોદામાં રસ પડયો હતો. તેમણે ભરૂચના ઘનશ્યામ પરસાણા સાથે સોદો કરીને જમીનના સોદાનું લખાણ કરાવ્યું હતું. આ પછી મધુભાઇએ દામનગર જઇને સ્વામી સાથે વેચાણ સોદો કર્યો હતો. સ્વામીએ તેમને ટોકન રૂપે સવા લાખ રોકડા આપવા સાથે પાંચ કરોડ રૂપિયાના ચેક પણ લખી આપ્યા હતાં.
સ્વામી સાથે સોદો થઇ ગયા બાદ મધુભાઇએ કહેવાતા જમીન માલિક ઘનશ્યામને ટુકડે ટુકડે પેમેન્ટ કરવા લાગ્યા હતા. ૨.૧૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ કરી દીધા બાદ મધુભાઇને ખબર પડી કે તેમણે ખરીદેલી જમીનનો માલિક ઘનશ્યામ છે જ નહીં. તેણે ખોટા દસ્તાવેજ દેખાડીને ખોટો વેચાણ કરાર કરી આપ્યો છે. એટલું જ નહીં, ચીટર ટોળકી અને સ્વામી પણ સાંઠગાંઠ ધરાવે છે અને પોતાને લલચાવવા જ સ્વામી સાથે ખોટો સોદો કરાવ્યો છે. આ રેકેટ ખુલતાં મધુભાઇએ ૨૦૧૨માં ફરિયાદ આપી હતી. હાઇ કોર્ટના આદેશ અનુસાર સીઆઇડી ક્રાઇમ કેસની તપાસ કરી રહી છે.