બોરસદઃ સૈજપુર ગામના ખેડૂત પરિવારની પુત્રી તૃપ્તિ પટેલને ગળાના ભાગે થયેલી ટીબીની ગાંઠ ફાટી જતાં મોત સામે ઝઝૂમતાં ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા ૧૭મી મેએ જાહેર કરાયેલાં પરિણામમાં તૃપ્તિ પટેલે ૬૬ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. મોતને મ્હાત આપીને બોર્ડની તેમ જ જીવનરૂપી પરીક્ષામાં પાસ થઈ જનાર તૃપ્તિ પટેલને હવે ડોક્ટર બનવાની મહેચ્છા પૂર્ણ કરવા માટે ઝઝૂમવું પડશે. ઝારોલની એચ. જે. પરીખ હાઈસ્કૂલમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી તૃપ્તિ પટેલ આઠ મહિના અગાઉ ગળાના ભાગે ટીબીની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. જેની સારવાર શરૂ થાય તે અગાઉ જ ટીબીની ગાંઠ ફાટી જતાં વડોદરાની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે ‘પરીક્ષાના ત્રણ કલાક દરમિયાન મને બે વખત નાકમાં નાંખેલી નળી વાંટે લિક્વિડ ખોરાક આપવામાં આવતો હતો.’