આણંદઃ ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ)એ નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (નેક) દ્વારા કરાયેલા મૂલ્યાંકનમાં ૩.૧૧ સીજીપીએ સાથે ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત પ્રથમ પ્રયાસમાં જ નેક મૂલ્યાંકનમાં દેશની પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ચારૂસેટ યુનિવર્સિટીએ સર્વોચ્ચ ગુણાંક મેળવ્યો છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ જમ્મુના વાઇસ ચાન્સેલર પ્રો. અશોક આઇમાના નેતૃત્વ હેઠળ નેકના નવ સભ્યોની ટીમે તાજેતરમાં ચારૂસેટની મુલાકાત લઈને મૂલ્યાંકન કર્યું હતું. જેમાં વિવિધ પાસાં જેવા કે શિક્ષણ, સંશોધન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ તેમજ સંશોધનને સુસંગત બાબતોનો સમાવેશ થાય છે. ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ચારૂસેટે પરિવારના તમામ સભ્યોની અપાર મહેનત અને લગનને કારણે આ ઐતિહાસિક સફળતા મેળવી છે. ચારૂસેટના અન્ય એક અધિકારી ડો. બી. જી. પટેલના જણાવ્યાનુસાર ચારૂસેટ માત્ર છ વર્ષમાં પ્રથમ પ્રયાસે જ એ ગ્રેડ પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્યની પ્રથમ પ્રાઇવેટ યુનિવર્સિટી બની છે. તે ગર્વની વાત છે.
ચારૂસેટમાં આઠ કોલેજ અને છ વિદ્યાશાખાઓમાં ૬૪થી વધુ અભ્યાસક્રમોમાં ૬૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.