વડોદરાઃ જંબુસર તાલુકાના નોંધણા ગામે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૨ યુગલોએ લગ્નબંધને બંધાઇને ગૃહસ્થજીવનનો પ્રારંભ કર્યો હતો. નોંધણા પરિવાર સેવા સમાજ-વડોદરા અને નોંધણા ગામ પરિવારના ઉપક્રમે આઠ મેના રોજ બી. બી. પટેલ હાઇસ્કૂલમાં યોજાયેલા સમારંભના પ્રમુખપદે નિવૃત્ત એડિશનલ કલેક્ટર તથા વિકાસ યુથના ટ્રસ્ટી ગીતાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધણા પરિવાર સેવા સમાજ (વડોદરા)ના પ્રમુખ અને વડોદરાની બાલાજી કોલેજના મેનેજિંગ ડિરેક્ટર કમલેશભાઇ અમીનના નેતૃત્વમાં યોજાયેલા આ સમારંભના અતિથિ વિશેષ પદે અન્ન તથા નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન છત્રસિંહ મોરી, બાલુભાઇ તલાટી (વિશ્વ ગુજરાતી સમાજ તથા અખિલ ભારત ગુજરાતી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ), ધારાસભ્ય દિનેશભાઇ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ સોમાભાઇ, વડુના બિલ્ડર રમેશભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ (ભાયલી), ભાજપના ઉપપ્રમુખ અને પોલીસ સલાહકાર બોર્ડ-વડોદરાના સભ્ય ઠાકોરભાઇ ડી. પટેલ તેમજ વિશ્વ ગુજરાતી સમાજ તથા સૌરાષ્ટ્ર પટેલ લેવા સમાજના ઉપપ્રમુખ સવજીભાઇ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂ. સાધુ શ્રીજી વલ્લભદાસ, પૂ. સાધુ ધર્મકિશોરદાસ (બોસ સ્વામી) પૂ. સાધુ ગુરુપ્રસાદદાસ (ગુરુ), પૂ. સાધુ સંતશ્રી જ્ઞાનવીર સ્વામી (અટલાદરા) અને પૂ. મહંતશ્રી વિદ્યાનંદ સ્વામી કાવી-કંબોઇ, સ્તંભેશ્વર તીર્થ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને નવદંપતીઓ તેમજ ઉપસ્થિત મહેમાનોને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે વર અને કન્યા પક્ષના સગાંસ્વજનો ઉપરાંત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઘરઆંગણે યોજાયેલા સમૂહ લગનોત્સવમાં મહાલ્યા હતા.
નોંધણા સમાજ દ્વારા હવે ગામમાં જ પાંજરાપોળ શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં રસ્તે રઝળતા છોડી દેવાયેલા નિરાધાર પશુધનને આશરો આપીને તેની આજીવન સારસંભાળ લેવાશે. મેડિકલ સુવિધાથી સજ્જ આ પાંજરાપોળ માટે એક દાતાએ બે એકર જમીન પણ દાનમાં આપી દીધી છે.