સોજિત્રાઃ દુનિયામાં કોરોના હજુ અકળ ગતિએ કાળો કેર વર્તાવી રહ્યો છે. તેના નિત નવા વેરીએન્ટ માનવજાત માટે જોખમી બની રહ્યા છે. કોરોના સામે રસી સંશોધનમાં અગ્રણી કહી શકાય તેવી નોવાવેક્સ ફાર્મા કંપની ખૂબ અગ્રેસર કહી શકાય તેવા સંશોધન થકી કોરોના રસી તૈયાર કરી છે. આ મહામારી સામે જગત અને માનવ સમાજને બચાવવા ખૂબ જ જહેમત ઉઠાવી રહેલ મુળ સોજિત્રાના અને અમેરિકા સ્થાયી થયેલા ડો. નીતાબહેન પટેલ વતન સોજીત્રાની મુલાકાતે આવ્યાં હતાં. તેઓનું સોજિત્રા ખાતે વિવિધ સંસ્થા અને અગ્રણી નાગરિકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે તેઓએ વિદ્યાર્થીનીઓ માટે 5 હજાર સખાવત જાહેર કરી માદરે વતનનું ઋણ ચૂકવવા પ્રયાસ કર્યો હતો.
સોજિત્રાના વતની અને અમેરિકાની દિગ્ગજ ફાર્મા કંપની નોવાવેક્સમાં સિનિયર વેક્સીન ડેવલપમેન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડો. નીતાબહેન પટેલ દ્વારા કોરોનાની રસી બનાવ્યા બાદ દુનિયાભરમાં તેમને સન્માનથી જોવામાં આવી રહ્યાં છે. હાલ તો વતનની મુલાકાતે આવેલા છે અને રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસે સોજિત્રાના કેળવણી સહાયક મંડળ દ્વારા તેમના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડો. નીતાબહેન પટેલનું કુમકુમ તિલકથી વિદ્યાર્થિનીઓએ સ્વાગત કર્યું હતું. બાદમાં મંડળ અને જે.એસ. પટેલ હાઈસ્કૂલ ફોર ગર્લ્સ દ્વારા પણ ડો. નીતાબહેન પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો. નીતાબહેને કેળવણી સહાયક મંડળને પાંચ હજાર ડોલર જેટલી રકમ જે.એસ. પટેલ હાઈસ્કૂલ ફોર ગર્લ્સને કોમ્પ્યુટર લાવવા માટે આપવાની જાહેરાત કરી હતી. જ્યારે સન્માન બદલ આભાર માન્યો હતો.