વડોદરાઃ ન્યૂઝીલેન્ડમાં વધુ અભ્યાસ કરીને સ્થાયી થવા માટે અરજી કર્યાના ગણતરીના દિવસોમાં જ દરિયામાં ડૂબી ગયેલા વડોદરાના હેમીન લિંબાચિયાની પત્ની તનવી ભાવસારને ન્યૂ ઝીલેન્ડ સરકારે માનવીય ધોરણે વર્ક વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. તનવી ભાવસારને માનવીય આધારે વિઝા આપવામાં આવે તેવી સ્થાનિક સંસદસભ્યએ અપીલ કરી હતી જેને ધ્યાનમાં લઇને એસોસિયેટ મિનિસ્ટર ઓફ ઇમિગ્રેશન ક્રિસ કાફોઇની સૂચનાના આધારે તનવી ભાવસારને બે વર્ષના વર્ક વિઝા આપવાનો નિર્ણય ન્યુ ઝિલેન્ડ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
વડોદરાના વાઘોડિયા રોડના વિનુભાઇનો પુત્ર હેમીન ન્યૂ ઝીલેન્ડ સ્થાયી થવા માટે ગયો હતો. વડોદરાની તેની પ્રેમિકા તનવી ભાવસાર સાથે લગ્ન બાદ ૧૪મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ત્યાંના વાઇમારામાં બીચ ઉપર ગયા હતા. એકાએક દરિયામાં ઉઠેલા વિકરાળ મોજા નવદંપતી હેમીન અને તનવીને ખેંચી ગયા હતા. જેમાં હેમીનનું મોત નીપજ્યું હતું.