વડોદરાઃ અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી બ્રુકલિન હોસ્પિટલમાં હાલમાં પણ કાર્ય કરતા વડોદરાના તબીબ દંપતીના હકારાત્મક અભિગમ અને ફરજપરસ્તીની આ વાત છે. કોરોના વાઇરસ ફેલાવાના પ્રથમ તબક્કામાં જ પ્રથમ ડો. સિદ્ધાર્થ ભેંસાણિયાને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો એ પછી તેમનાં પત્ની જાનકીબહેન ભેંસાણિયા પણ કોરોના સંક્રમિત થઈ જતાં તેમનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં જ દંપતી હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયું હતું. જોકે દંપતી હવે કોરોના ફ્રી છે. ડો. સિદ્ધાર્થના જણાવ્યા પ્રમાણે દવાઓ અને દુવાઓના કારણે અન્ય દર્દીની સરખામણીએ ઝડપથી રિકવર થયા હતા. તેઓ ફરી ફરજ પર જોડાયાં છે. અમેરિકામાં કોવિડ-૧૯ના પ્રથમ તબક્કામાં પોઝિટિવ દર્દીની સારવાર કરી રહેલા મેડિકલ સ્ટાફ માટે માસ્ક, પર્સનલ સેફ્ટી કીટની ભાગે ખેંચ હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે. ડો. સિદ્ધાર્થે આ સાથે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ સામે લીધેલાં તકેદારીનાં પગલાંના કારણે પરિસ્થિતિ કાબૂમાં છે.