પેટલાદઃ આણંદ જિલ્લાના પંડોળી ગામમાં બેરોજગાર કે મજબૂર લોકોને રૂપિયાની લાલચ આપીને તેમની કિડની કાઢી લેવાના કૌભાંડનો કેસ ૧૮મી માર્ચે પેટલાદ કોર્ટમાં ચાલ્યા બાદ મુખ્ય સૂત્રધાર મુકેશ ચૌધરીની વધુ પૂછપરછના આદેશ છે. આ ઘટનાનો પડઘો ૨૧મી માર્ચે વિધાનસભામાં પડ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં મુદ્દો ઉઠાવતાં રાજ્ય આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે, આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તાજેતરમાં જ ‘સીટ’ (સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરાઈ છે. જે કોઈ જવાબદાર હશે તેની સામે માનવઅંગ પ્રત્યારોપણ માટેના કાયદેસરના કડક પગલાં લેવાશે.
મુખ્ય સૂત્રધાર મુકેશ ચૌધરી
પોતાને ડોક્ટર તરીકે ઓળખાવતા અને ૧૨ ધોરણ સુધી ભણેલા આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર મુકેશ ચૌધરીની પોલીસ તપાસમાં માલૂમ પડ્યું છે કે તે કિડની વેચવા તૈયાર લોકોને મેડિકલ ટેસ્ટ માટે ચેન્નાઇ લઇ જતો અને તેમના રિપોર્ટ પછી કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન દિલ્હી અથવા શ્રીલંકાના કોલંબોની હોસ્પિટલમાં થતું હતું.
કિડની વેચવાની કબૂલાત
પેટલાદ કોર્ટમાં ૧૭મી માર્ચે મુકેશ ચૌધરી, પોતાની કિડની વેચનારા શેરઅલીખાન પઠાણ અને રફીકભાઈ વોરાને રજૂ કરાયા હતા.
રફીકે કોર્ટને જણાવ્યું કે, તેણે કિડની રૂ. ૨.૫ લાખમાં વેચી હતી જ્યારે શેરૂએ ૨૦૦૧માં નડિયાદની એક હોસ્પિટલમાં
રૂ. ૩૫ હજારમાં પોતાની કિડની વેચી હોવાની કબૂલાત કરી હતી. શેરુએ દેવું ચૂકવવા આ
રકમનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું.
પંડોળીમાં કડિયાકામ કરીને ગુજરાન ચલાવતા ૨૫ વર્ષીય નરેન્દ્રભાઈ પૂનમભાઈ કહે છે કે, મજબૂરીને લીધે મેં કિડની વેચી હતી. મને એજન્ટ અમદાવાદથી ચેન્નાઇ લઇ ગયો હતો અને ત્યાંથી શ્રીલંકા લઈ જવાયો. ત્યાં મારી કિડની કઢાવી નાંખી હતી. બદલામાં મુકેશે રૂ. ૨.૫૦ લાખ આપ્યા હતા. જેમાંથી ૫૦ હજારનું દેવું ચૂકતે કર્યું હતું.
પંડોળીના જ મહાદેવ ફળિયામાં રહેતા ૨૭ વર્ષીય હર્ષદભાઈ કનુભાઈ કલરકામ કરીને ગુજરાન ચલાવે છે તે પૂનમભાઈના ઘરે આવેલા શેરૂને મળ્યા હતા. માતા-પિતાનું દેવું ચૂકતે કરવા માટે મરજીથી રૂ. ૨.૪૦ લાખમાં તેમણે કિડની વેચી હતી. તેમને દિલ્હીથી વિમાનમાં શ્રીલંકા લઈ જવાયા ત્યાં કિડની કઢાઈ હતી, જ્યારે પંડોળીના ૩૮ વર્ષીય અશોકભાઈ રાઠોડનો ત્રણ વર્ષ પહેલાં મુકેશ ચૌધરી સાથે સંપર્ક થયો હતો અને અશોકભાઈએ પણ શ્રીલંકાની હોસ્પિટલમાં કિડની વેચી હતી. દેવું ચૂકતે કરવા તેમજ બાળકોના ભવિષ્ય માટે કિડની વેચી હોવાનો તેમણે એકરાર કર્યો હતો.