પડકારમાંથી પરિવર્તનના પંથેઃ આ વર્ષે ધર્મજ-ડેની ઉજવણી વર્ચ્યુઅલ

- વિશેષ સંવાદદાતા Wednesday 06th January 2021 03:49 EST
 
 

અમદાવાદઃ કોરોના મહામારીના આ કપરા કાળમાં આયોજન ખોરવાઇ જતાં ભલભલા લોકો ભલે માથા પકડીને બેસી ગયા હોય, પરંતુ કેટલાક વીરલા એવા પણ છે જેમણે આ પડકારજનક સમયને જ પડકારી પરિવર્તનના પંથે પ્રયાણ કર્યું છે. આવા વીરલાઓમાં ‘ધર્મજ ડે’ના આયોજકોનો પણ સમાવેશ થાય છે. દોઢ દસકાથી નગરના આંગણે યોજાતા ‘ધર્મજ ડે’ની ઉજવણી પર આ વર્ષે કોરોનાના કારણે અનિશ્ચિતતાના વાદળ મંડરાયા હતા. જોકે આયોજકોએ વિપરિત સંજોગો સામે ઝૂકવાના બદલે આ પ્રસંગની વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન હાથ ધર્યું છે. આમ વિશ્વભરમાં વસતાં ધર્મજવાસીઓ ઘરે બેઠાં જ ‘ધર્મજ ડે’માં હાજરી આપ્યાનો આનંદ માણી શકશે.
છ ગામ પાટીદાર સમાજના મુખ્ય સંગઠન ધરોહર ફાઉન્ડેશન-ધર્મજના સ્થાપક પ્રમુખ અને દેશ-વિદેશમાં વસતાં ધર્મજવાસીઓને એકતાંતણે બાંધવાનું પ્રશંસનીય કાર્ય કરતા રાજેશ પટેલે ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ‘છેલ્લા ૧૪ વર્ષથી અમે સ્વામી વિવેકાનંદ જયંતીએ - ૧૨ જાન્યુઆરીએ ‘ધર્મજ ડે’ યોજીએ છીએ, જેમાં હાજરી આપવા માટે દેશ-વિદેશમાં વસતાં ધર્મજવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. વતનમાં યોજાતા મિલન-મુલાકાતના આ મેળાવડા માટે તેઓ પ્રવાસનું આયોજન જ એવું કરે કે પહેલાં ધર્મજ ડેમાં હાજરી આપવાની, બે દિવસ પછી ઉતરાયણ માણવાની અને બાદમાં સગાંસ્વજનને ત્યાં યોજાયેલા માંગલિક પ્રસંગોમાં હાજરી આપીને પાછી પરદેશની વાટ પકડવાની. જોકે આ વખતે કોરોનાના કારણે સમગ્ર આયોજન સામે પ્રશ્નાર્થ મૂકાઇ ગયો હતો.
કોરોનાએ સર્જેલી મુશ્કેલી સંદર્ભે રાજેશભાઇ કહે છે, ‘દર વર્ષે અમે જૂન મહિનાથી જ કાર્યક્રમની તૈયારીમાં લાગી પડતા હોઇએ છીએ, પરંતુ આ વર્ષે સંજોગો જ એવા હતા કે ડિસેમ્બર અડધો વીતી જવા છતાં કંઇ તૈયારી શક્ય બની નહોતી. બીજી તરફ, અમે ૨૦૦૭થી શરૂ કરેલી ‘ધર્મજ ડે’ના આયોજનની પરંપરા પણ તોડવા માગતા નહોતા. પડકાર જરૂર હતો, પણ અમે પરિવર્તન માટે તૈયાર હતા. ટીમ ધર્મજે ચર્ચાવિચારણા બાદ વર્ચ્યુઅલ આયોજનનો નિર્ણય કર્યો અને જૂઓ, કાર્યક્રમ ઘડાઇ પણ ગયો.’
રાજેશભાઇ કહે છે કે ‘ધર્મજ ડે’માં દર વર્ષે લગભગ સાડા ત્રણથી ચાર હજાર લોકો હાજરી આપે છે, જેમાં વતનની મુલાકાતે આવેલા વિદેશવાસી ધર્મજીયનોની સંખ્યા વિશેષ હોય છે. જોકે આનાથી પણ મોટી સંખ્યા એવા લોકોની હોય છે જેઓ રજાના અભાવે કે અન્ય સામાજિક જવાબદારીઓને કારણે - ખૂબ જ ઇચ્છા હોવા છતાં પણ - આ કાર્યક્રમમાં સામેલ થઇ શકતા નહોતા. હવે આ વર્ષે કાર્યક્રમ ઓનલાઇન યોજાઇ રહ્યો હોવાથી વિશ્વના કોઇ પણ ખૂણે વસેલી વ્યક્તિ સમય-સ્થળના બંધન વગર આ કાર્યક્રમ માણી શકશે.
ઉલ્લેખનીય છે કે ચરોતર પ્રદેશના પ્રગતિશીલ ગામની ઓળખ ધરાવતા ધર્મજના ૩૫૦૦થી વધુ પરિવારો દરિયાપારના દેશોમાં જઇ વસ્યા છે, જેમાં સૌથી વધુ ૧૭૦૦ પરિવારો યુકેમાં વસવાટ કરે છે. અમેરિકામાં ૧૦૦૦થી વધુ પરિવારો જ્યારે કેનેડામાં ૪૫૦થી વધુ પરિવારો સ્થાયી થયા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા સહિતના દેશોમાં પણ ધર્મજના પરિવારો નોંધપાત્ર સંખ્યામાં વસે છે.
‘ધર્મજ ડે’ની વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન ધરોહર ફાઉન્ડેશન અને ગાંધીનગરસ્થિત જાણીતા શિક્ષણ સંસ્થાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (ટીચર્સ યુનિવર્સિટી)ના સેન્ટર ફોર એક્સટેન્શનના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયું છે. જેનું જીવંત પ્રસારણ ૧૨મી જાન્યુઆરી - મંગળવારે ભારતીય સમય મુજબ સાંજે ૬:૩૦ કલાકે (યુકે ટાઇમ - બપોરે ૧.૦૦ વાગ્યે) સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા થશે અને તે સમગ્ર વિશ્વમાંથી નિહાળી શકાશે. આ ઓનલાઇન કાર્યક્ર્મમાં આયોજકો ધર્મજ અને ગાંધીનગરથી જોડાશે. જ્યારે મુખ્ય વક્તા જાણીતા લેખક-ચિંતક જય વસાવડા રાજકોટથી જોડાશે અને ‘પડકારોમાંથી પરિવર્તન’ વિષય ઉપર મુખ્ય પ્રવચન આપશે.
શું તમારે પણ ‘ધર્મજ ડે’ની વર્ચ્યુઅલ ઉજવણીમાં સામેલ થવું છે? સર્ચ કરો આ લિન્ક http://planetjv.net અથવા
www.facebook.com/iitegandhinagar


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter