ભાજપના નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામીએ ગત સપ્તાહે વલ્લભ વિદ્યાનગરસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સાંપ્રત સમયમાં સરદાર પટેલની પ્રસ્તુતતા વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ હંમેશા રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખતા હતા. ચીનની બોર્ડર, પાકિસ્તાન, મુસ્લિમ સમુદાય, ભારતનું અર્થતંત્ર અને મંદિર-મસ્જિદ જેવા મુદ્દે સાંપ્રત સમયમાં સરદાર પટેલના જેવી રાષ્ટ્રહિતની ભાવના અને ઇચ્છાશક્તિ આવશ્યક છે.
વલ્લભ વિદ્યાનગરના ૭૦મા સ્થાપના દિનની ઊજવણી
ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)નો ૭૦મો સ્થાપના દિન ૩ માર્ચના રોજ સીવીએમના આઠમી મુદ્દત માટેના નવનિર્વાચિત અધ્યક્ષ શિક્ષણ મહર્ષિ ડો. સી. એલ. પટેલની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન તરીકે જાણીતા કેળવણીકાર ડો. દાઉદભાઈ ઘાંચી તથા અતિથિ વિશેષ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કલુપતિ ડો. હરિશ પાઢ સહિતના મહાનુભાવો અને જનમેદનીની ઉપસ્થિતિમાં ઊજવાયો હતો. ચારુતર વિદ્યામંડળ, વલ્લભ વિદ્યાનગર અને સરદાર પટેલ યુનિવર્સિટીના આદ્યસ્થાપકો ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબે ૩ માર્ચ ૧૯૪૬થી અત્યારના વલ્લભ વિદ્યાનગરના એ વખતના વેરાન પ્રદેશમાં આવીને વસવાટ શરૂ કર્યો અને આજે દેશવિદેશમાં વલ્લભ વિદ્યાનગર શિક્ષણના અનોખા સંકુલ તરીકે પ્રતિષ્ઠા પામ્યું એ નિમિત્તે પ્રતિ વર્ષ ૩ માર્ચે વલ્લભ વિદ્યાનગર દિવસની ઊજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ચારુતર વિદ્યામંળની સાત દાયકાની શિક્ષણયાત્રાના ઈતિહાસ અંગે ડો. રમેશ એમ. ત્રિવેદી લિખિત અને સીવીએમ દ્વારા પ્રકાશિત ગ્રંથનું મહાનુભાવોએ લોકાર્પણ કર્યું હતું.
વડોદરાની પાંજરાપોળોમાં ૧૦૧ પશુનાં મોત
વડોદરા નજીકની દરજીપુરા પાંજરાપોળમાં ગત સપ્તાહે ૪૩ ઢોરના ફૂડ પોઈઝનીંગથી મોત થયા બાદ પછી રવિવારે સયાજીપુરા પાંજરાપોળમાં પણ ૫૮ પશુનાં મોત થતાં આંકડો ૧૦૧ પર પહોંચ્યો છે. બનાવને પગલે કલેક્ટર અને મેયર ઘટનાસ્થળે દોડી ગયા હતા. દરજીપુરા, સયાજીપુરા અને અટલાદરા પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુઓને ધુળેટીના દિવસે સવારે લીલી મકાઈનો ઘાસચારો આપવામાં આવ્યો હતો.