ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર ઉપરાંત શિક્ષણ, વ્યાપારજગત અને આરોગ્ય ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન આપનાર પંકજભાઇ પટેલના પ્રેરણાદાયક જીવન પરથી બાયોપિક બનાવવાની જાહેરાત જાણીતા ફિલ્મ નિર્માતા અને એક્ટર અનુપમ ખેરે કરી છે. એટલું જ નહિ, ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા પંકજભાઇનું કિરદાર ખુદ અનુપમ ખેર નિભાવશે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત પંકજભાઇ પટેલનો એક અભિવાદન સમારોહ ઝાયડસ કોર્પોરેટ હાઉસ ખાતે યોજાયો હતો. જેમાં અનુપમ ખેરે પંકજભાઈ સાથે એમના જીવનકવન, સંઘર્ષ, ચડતી-પડતી તથા પારિવારિક બાબતો અંગે રસપ્રદ ગોષ્ઠિ કરી હતી. જેમાં તેમણે પંકજભાઇને અંગત સવાલ પૂછતાં કહ્યું હતું કે, ‘પંકજભાઈ, આપનું જીવન અત્યંત પ્રેરણાદાયક છે અને હાલમાં ઘણા મહાનુભાવો પર બોલિવૂડમાં બાયોપિક બની રહી છે ત્યારે તમને નથી લાગતું કે, તમારા વ્યક્તિત્વ, પ્રતિભા અને તમે જીવનમાં હાંસલ કરેલી સિદ્ધિઓને વણી લેતી એક સુંદર બાયોપિક બનવી જોઈએ?’ તેમના આ પ્રશ્નને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો ત્યારે પંકજભાઈએ વિનમ્રતાપૂર્વક કહ્યું હતું કે, ‘આ અંગે મેં કાંઈ ખાસ વિચાર્યું નથી, પરંતુ જો મારા જીવનમાંથી કોઈને પ્રેરણા મળતી હોય તો મને એ વાતે વાંધો નથી...’ આ પછી અનુપમ ખેરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મારી ટાલ જોઈને ટેન્શન રાખતા નહીં. હું તમારા ચહેરાને અનુરૂપ સરસ વિગ બનાવીશ. તમારું કેરેક્ટર હું જ નિભાવીશ. આ સાથે જ તેમણે સકારાત્મક માહોલને જોઈને વાત પાક્કી સમજું છું એવો ઇશારો કરતાં પંકજભાઈને કહ્યું હતું કે, મેં અત્યાર સુધી 543 ફિલ્મો બનાવી છે, કે કામ કર્યું છે, પરંતુ આ મારી 544મી ફિલ્મ હશે. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વાતને વધાવી લઈ પંકજભાઈના પ્રેરણાદાયક જીવનને સન્માનવા સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
પંકજભાઈએ આ અગાઉ અનુપમ ખેરે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ નીતિમત્તા, મૂલ્યનિષ્ઠ વ્યાપારના સિદ્ધાંતને વરેલા છે અને તેમણે આ ગુણો પિતા પાસેથી આત્મસાત કર્યા છે. તેમણે કહ્યું હતું કે ફાર્મસી ઉદ્યોગની વાત કરું તો, પશ્ચિમના દેશોએ ભારતને અને દુનિયાના વિકાસશીલ અને અવિકસિત દેશોને ઘણુંબધું પ્રદાન કર્યું છે, જેના કારણે આજે આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. આવનારા દિવસોમાં 2027 પહેલાં હવે આપણી ફરજ છે કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોએ વિશ્વને કમસે કમ 100 જેટલી દવાની ભેટ આપવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ચરોતરમાં આવેલા ભાદરણના વતની એવા પંકજભાઈ ગુજરાત બહુમુખી પ્રતિભા ધરાવે છે, અને ચેમ્બર ઓફ કોમર્સ, ‘ફિક્કી’, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન જેવી સંસ્થાઓને નેતૃત્વ પ્રદાન કરી ચૂક્યા છે. એટલું જ નહિ, આઈઆઈએમ-ઉદેપુરના ચેરમેન રહી ચૂક્યા છે અને હાલ આઈઆઈએમ-અમદાવાદના ચેરમેન છે. તદુપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે. તો ગુજરાત કેન્સર સોસાયટીનું સુપેરે સુકાન સંભાળે છે. એટલું જ નહિ, અમદાવાદમાં મલ્ટીસ્પેશિયાલિસ્ટ ઝાયડસ હોસ્પિટલમાં વૈશ્વિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમણે ઊભું કર્યું છે. સાથોસાથ તેમની સંસ્થા દ્વારા ઝાયડસ સ્કૂલ સહિત અનેક શૈક્ષણિક પ્રવૃત્તિ પણ થાય છે. સાથોસાથ આદિવાસી વિસ્તારમાં 1200 બેડની હોસ્પિટલમાં દરરોજ 2000થી વધુ દર્દીઓને નિઃશુલ્ક સારવાર અપાય છે. અંદાજે 25 થી 30 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ઝાયડસ કંપનીમાં 27000થી વધુ કર્મચારીઓ દેશવિદેશમાં કામ કરે છે.