અમદાવાદઃ પનામા પેપર લીક કેસમાં જે ગુજરાતીઓના નામો ખૂલ્યા હતા તે તમામને આવકવેરા વિભાગના ગુપ્તચર વિભાગે સાતમી ઓગસ્ટે નોટિસ ફટકારી હતી. વડોદરાના બેન્કો પ્રોડક્ટ (ઇન્ડિયા) લિમિટેડના ત્રણ પ્રમોટરોને ત્યાં દરોડા પાડીને વાંધાનજક દસ્તાવેજો જપ્ત કર્યા છે. આવકવેરાના ઇન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓએ વડોદરા સ્થિત બેન્કો પ્રોડક્ટ (ઇન્ડિયા) લિમિટેડના ત્રણ પ્રમોટરો વિમલ પટેલ, મેહુલ પટેલ અને સમીર પટેલના વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં આવેલા રહેઠાણે દરોડા પાડયા છે. ઉપરાંત, ઉત્તરાખંડના રૂદ્રપુર, જમશેદપુર અને તેલંગણામાં ધંધા અને રહેઠાણના દસ જેટલા સ્થળે દરોડા પાડીને મોટી માત્રામાં દસ્તાવેજો જપ્ત કર્યા છે. આવકવેરા વિભાગને શેર સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. યુકે અને સિંગાપુરમાં લિમિટેડ કંપનીના ત્રણ પ્રમોટરોના બેન્ક ખાતા મળી આવ્યા છે. વિદેશી બેન્ક ખાતાઓની માહિતી મળી આવતા આવકવેરા અધિકારીઓ ચોંકી ઉઠયા છે. વડોદરામાં ૧૫ બેન્ક લોકરો સીલ કરાયા છે.
દુબઇમાં પણ રહેઠાણ હોવાની માહિતી બહાર આવી છે જેનુ વેરિફિકેશન ચાલી રહ્યુ છે. ઓટો મોબાઇલ પાર્ટ્સ બનાવતી બેન્કો પ્રોડક્ટ (ઇન્ડિયા) લિમિટેડના રૂદ્રપુરમાં આવેલા એક પ્લાન્ટમાં દરોડા દરમ્યાન એવી માહિતી બહાર આવી છે કે, પ્લાન્ટમાં રેડિએટર બનાવીને એસેમ્બલ કરાય છે ત્યાર બાદ જાણીતી કંપનીઓને સપ્લાય કરવામા આવે છે. રૂદ્રપુરમાં ટેક્સ બેનીફિટ લેવાતા હતા, જોકે, તેની તપાસ ચાલી રહી છે. પ્રમોટરો યુકે પાસપાર્ટ હોલ્ડર છે. પ્રમોટરોએ ૨૦૧૦ પછી મોટી રકમ ભારતમાંથી સિંગાપુર, યુકેમાં ટ્રાન્સફર કરી હતી. આ જ રકમ ભારતમાં ટ્રાન્સફર કરીને પરિવારના નામે શેર ખરીદ્યા પછી સૌથી મોટા પ્રમોટરો બન્યા હતા. ભારતમાંથી બ્લેકમની સિંગાપુર, યુકેમાં ટ્રાન્સફર થયા છે અને કઇ કઇ બેન્કોમાં નાણા જમા થયા છે તેની માહિતી આવકવેરા વિભાગ પાસે આવી ગઇ છે.