અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૩૦મી સપ્ટેમ્બરે આણંદના મોગરમાં અમૂલ ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે આલ્ફ્રેડ સ્કૂલને ગાંધીસ્મૃતિ મ્યુઝિયમમાં ફેરવાઈ તેનું લોકાર્પણ પણ કર્યું હતું અને મોદીએ કચ્છની પણ મુલાકાત લીધી હતી. આ ઝાકમઝોળ કાર્યક્રમોમાં સામાન્ય માણસ અને માલેતુજારો વચ્ચેનો ભેદભાવ ઊડીને આંખે વળગતો હતો.
અમૂલ ચોકલેટ પ્લાન્ટના ઉદઘાટનના કાર્યક્રમમાં સભાસદો-પશુપાલકોને માત્ર ૫૦ ગ્રામ ફૂલવડી-બુંદીના લાડુના નાસ્તામાં સમજાવી દેવાયા હતા જ્યારે ૩ હજાર વીવીઆઈપી મહેમાનો માટે અમૂલ પ્લાન્ટમાં રૂ. ૨૪૦૦ની ડિશની જ્યાફત ઊડાવાવમાં આવી હતી. પશુપાલકોના ખર્ચે જ મુખ્ય અતિથિઓ મિજબાની માણીને ખુશ થઈ ગયા હતા.
કેટલાકે કહ્યું કે, વડા પ્રધાનના અમૂલ ચોકલેટ પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ મહેમાનોની ધીખતી સરભરા કરવામાં આવી હતી. ત્રણ અલગ અલગ જગ્યાએ ભોજનનો કાર્યક્રમ રખાયો હતો. પ્રીમિયર ભોજન એક ખાનગી રિસોર્ટમાં હતું. જેમાં એક હજાર મહેમાનોને સામેલ કરાયા હતા તો અમૂલ પ્લાન્ટમાં ત્રણ હજાર વીવીઆઈપી મહેમાનોને ભોજન પીરસવામાં આવ્યું હતું જેમના માટે રૂ. ૨૪૦૦ની એક ડિશ રાખવામાં આવી હતી જ્યારે વીઆઈપી માટે વ્રજભૂમિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભોજન સમારોહ યોજવામાં આવ્યો હતો. વીવીઆઈપી મહેમાનોની સંખ્યા પાંચ હજારથી વધુ હતી, તેમના માટે રૂ. ૧૮૦૦ની ડિશ રખાઈ હતી. આમ ૯ હજારથી વધુ મહેમાનો માટે અલગ અલગ જગ્યાએ ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. વીઆઈપી ભોજન માણનારાએ જણાવ્યું હતું કે, તેમના માટે ગાજરનો હલવો, બાસુંદી, દહીંવડા, પાપડ, સલાડ, શાહી પનીર, ભીંડાનું શાક, કઠોળ, દાળ-ભાત, આઈસ્ક્રીમ સહિતની વાનગીઓ પીરસાઈ હતી.