વડોદરાઃ પશ્ચિમ આફ્રિકાના ઇક્વિટેરિયલ જીનીયા નામના દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલા એક શીપના ક્રૂ મેમ્બર્સ સહિત 26 વ્યક્તિમાં 16 ભારતીય છે, આ 16માં એક યુવાન વડોદરાનો હોવાનું બહાર આવ્યું છે. ઇક્વિટેરિયલ જીનીયામાં ફસાયેલા આ તમામનો કબજો હવે પાડોશી દેશ નાઇજિરિયાની નેવીએ માગતા ફસાયેલાઓના પરિવારજનો ચિતિંત બન્યા છે.
તમામ ભારતીયોને નાઇજિરિયા નેવીને સોંપવામાં આવે તે અગાઉ ઇક્વિટેરિયલ જીનીયાથી જ રેસ્ક્યુ કરવામાં આવે તેવી ભારત સરકારને તેમના પરિવારજનો વિનંતી કરી રહ્યા છે. વડોદરાના પરિવાર દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને આ મામલે રજૂઆત કરતાં સાંસદે વિદેશ મંત્રાલયને પત્ર લખીને ફસાયેલાઓને વધુ મદદ કરવા માટે વિનંતી કરી છે. સાંસદ રંજનબેન ભટ્ટના જણાવ્યા અનુસાર વડોદરાના હર્ષવર્ધન શૌચે ઇક્વિટેરિયલ જીનીયામાં છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલા છે. તેમની સાથે કુલ 16 ભારતીય, આઠ જેટલા શ્રીલંકન મળી કુલ 26 વ્યક્તિઓ સાથે શીપને ઇક્વિટેરિયલ જીનીયા ખાતે અટકાવી દેવામાં આવ્યુ છે. આ લોકોને મુક્ત કરાવવા માટે શીપની કંપની દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પણ આ મામલાને ઉકેલવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે નાઇજિરિયન નેવી દ્વારા હવે આ તમામ 26 અટકાયતીઓનો કબજો માંગવામાં આવ્યો છે, જેથી તેમના પરિવારજનો ચિંતિંત બન્યા છે.