વડોદરાઃ પુલવામામાં પાકિસ્તાની શેહથી કરાયેલા આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાથી આખા દેશમાં આક્રોશ છે.
આ સંજોગોમાં પાન મસાલા અને ગુટખાનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ‘વિમલ પાન મસાલા’ દ્વારા પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ અપાતાં ‘વિમલ પાન મસાલા’ સામે દેશમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. વડોદરાની સંસ્થા ફેઇથ ફાઉન્ડેશન દ્વારા ‘વિમલ પાન મસાલા’ સામે ભારત સરકારમાં ફરિયાદ કરીને તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.
ફેઇથ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અનંત ક્રિશ્ચિયને કહ્યું કે, દુબઇમાં ટી-૨૦ મેચની સિરિઝમાં પાકિસ્તાન સુપર લીગ ટીમને ભારતીય કંપની ‘વિમલ પાન મસાલા’ દ્વારા સ્પોન્સર કરાઈ હતી. ભારત સાથે રાષ્ટ્રદ્રોહી વલણ ધરાવતા રાષ્ટ્રની ટીમને ભારતીય કંપની સ્પોન્સર કરે તે ઘૃણાસ્પદ છે. આ ઉપરાંત ‘વિમલ પાન મસાલા’ દ્વારા સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટની સેક્શન પાંચનો પણ ખુલ્લેઆમ ભંગ કર્યો છે.
સેકશન પાંચ એવું કહે છે કે પાન મસાલાની જાહેરાતની આડમાં તમાકુની બનાવટ (ગુટખા)ની સીધી કે આડકતરી રીતે જાહેરાત કરવી કે રમત ગમત જેવી ઇવેન્ટને સ્પોન્સર કરવી એ ગુનો છે.