ગોધરાઃ પાકિસ્તાને ટ્રેન વ્યવહાર બંધ કરતાં ગોધરાથી પાકિસ્તાન ગયેલા ૭૩થી વધુ લોકો અટવાતા ગોધરામાં તેઓના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ગુજરાતના ૨૫ સહિત દેશના ૪૦થી વધુ લોકો ૩૧મીએ વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તંગદિલી વ્યાપી હતી. આ પહેલાં ગોધરાના મુસ્લિમ સમાજના ૭૩થી વધુ લોકો પાકિસ્તાનના કરાચીમાં રહેતા તેમના સગા-સંબંધીઓને મળવા ગયા હતા. જોકે ૩૭૦ની કલમ રદ્દ થયા બાદની તંગદિલીની પગલે થાર એક્સપ્રેસ અને સમજૌતા એક્સપ્રેસ ટ્રેન બંધ કરી દેવાતા એક મહિનાથી ગોધરાના મુસ્લિમ સમાજના લોકો પાકિસ્તાનમાં અટવાઇ ગયા હતા. પાકિસ્તાનના સામાજિક કાર્યકર સલીમભાઇ મુર્શદ અને અનવરભાઇ હુસૈન છુંછલા સહિતના લોકો ગોધરાના તમામ લોકોની મદદે આવ્યા હતા. અને તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. અને તેમના રૂટ ચેન્જ અને વિઝા સહિતની તમામ બાબતોમાં મદદ કરી હતી. અને તેઓ છેક વાઘા બોર્ડર સુધી મૂકી ગયા હતા.
પાકિસ્તાનના સામાજીક કાર્યકર સલીમભાઇ તથા અનવરભાઇ ૨૪ ભારતીયોઓને લોઇને ટ્રેન દ્વારા લાહોર શુક્રવારે પાંચ વાગે પહોંચ્યા હતા. ૨૪ ભારતીયો શુક્રવારે રાત્રે લાહોર રેલ્વેના મુસાફર ખાનામાં રોકાયા હતા અને આજે શનિવારે લાહોરથી વાધા બોર્ડર પર પહોચીને ચાલતાં વાધા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો.