અમદાવાદઃ પાવાગઢ-ચાંપાનેર સ્ટેટના પૂર્વ રાજવી પરિવારના વારસદારે તેમને ચાંપાનેર સ્ટેટના વારસદાર ગણવા અને તેમના વડિલોપાર્જિત મિલકતોમાં તેમની માલિકીની જાહેર કરવા ગુજરાત હાઇ કોર્ટમાં અરજી કરી છે.
ન્યાયાધિશ કૌશલ ઠાકરે અરજદાર અને પૂર્વ રાજવી રાજેન્દ્રસિંહ ઠાકોરની અરજીના મહત્ત્વના મુદ્દાઓ ધ્યાને લઈ રિટ અરજી દાખલ કરી છે.
આ રિટ અરજીમાં રાજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા પાવાગઢના મહાકાળી મંદિર, નડિયાદ સંતરામ મંદિર, વડતાલ સ્વામિનારાયણ મંદિર, બસીત કિલામંદિર, નદી, રોડ, રસ્તા કે જે સિંધની હદથી ભરૂચ અને પાવાગઢથી જૂનાગઢ સુધીની તમામ સ્થાવર મિલકતોમાં તેઓ કાયદેસરના રાજવી હકે વારસ હોવાથી તેમનો માલિકી હક પ્રસ્થાપિત કરવા દાદ માગવામાં આવી છે. અરજીમાં જણાવ્યું છે કે, બ્રિટિશ ઇન્ડિયા ગવર્મેન્ટ વખતની ૧૮૬૦થી ૧૯૪૨ દરમિયાન થયેલા બોમ્બે ગેઝેટના હુકમો, બોમ્બે હાઈકોર્ટના હુકમો અન્વયે તથા ભારતના દેશી રજવાડાઓના વિલીનીકરણ પહેલાં ચાંપાનેર સ્ટેટના રાજવી હકદાર તરીકે તેમનો માલિકી હક બને છે અને તેથી અરજદારને ચાંપાનેર સ્ટેટના વારસ તરીકે જાહેર કરી તેમને તેમની તમામ સ્થાવર અને જંગમ મિલ્કતોનો કબજો મળવો જોઇએ. અરજદારે હાઇ કોર્ટને જણાવ્યું હતું કે, બ્રિટિશ ઇન્ડિયાએ જે તે વખતે મહારાજા સિંધિયા સાથે કરેલા મિલકત હસ્તાંતરના કરાર મુજબ તમામ મિલકતો ચાંપાનેર સ્ટેટના પૂર્વ રાજવીની કાયદેસરની ખાનગી મિલકત છે અને તેમાં કોઇપણ સરકારી કે જાહેર સંસ્થા કે એજન્સીઓનો હક, હિત કે હિસ્સો રહેતો નથી. અરજદાર ભારતીય બંધારણની કલમ-૧૪૯, ૩૬૩ અને ૩૦૦(અ) મુજબ તેમનો મિલકતનો હક પ્રસ્થાપિત કરવા અધિકૃત છે તેથી હાઈકોર્ટે આ મામલે જરૂરી આદેશો કરવા જોઇએ.