અમદાવાદ: ગુજરાતની શક્તિપીઠ પાવાગઢના મહાકાળી મંદિરમાં ચઢતી ચાંદીની ઘટ ૧૦ ટકાથી વધીને ૪૦ ટકા સુધી પહોંચી છે. મંદિરના જ ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટીએ સમગ્ર કેસની તપાસ કરવા હાઇ કોર્ટમાં અરજી કરી છે. હાઇ કોર્ટે ચેરિટી કમિશનરને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે.
પાવાગઢના મહાકાળી મંદિરના ટ્રસ્ટીઓ સામે મંદિરના અન્ય ટ્રસ્ટી કૈલાસ ઠાકોર તરફથી એડવોકેટ કૃનાલ શાહે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી છે કે મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવાતી ચાંદીને ઓગાળવા માટે લઇ જવાય ત્યારે અને ઓગાળીને પાછી આવે ત્યારે તેમાં ૪૦ ટકા ઘટ પડી રહી છે. પાંચ વર્ષ અગાઉ આ ઘટ ૧૦ ટકા આવતી હતી તે વધી ગઇ છે. વચ્ચેની ઘટ અંગે ટ્રસ્ટીઓ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ૫૮૦ કિગ્રા ચાંદી ગાળવા માટે મોકલી હતી, તે ગાળીને પાછી આવી ત્યારે માત્ર ૧૭૦ કિગ્રા પાછી આવી હતી. દર વર્ષે આશરે ૩થી ૪ કરોડ રૂપિયાની ચાંદીની ઘટ કોણ લઇ જાય છે તે અંગે તપાસ કરવા દાદ માગવામાં આવી છે. આ અંગે જસ્ટિસ એ. વાય કોગ્જેએ જોઇન્ટ ચેરિટી કમિશનરે આપેલા તપાસ અહેવાલને ચેરિટી કમિશનરે ચકાસીને યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો છે.