હાલોલ: પાવાગઢ મંદિર ચોકમાં મંદિરના પગથિયાં પાસે અમદાવાદના યાત્રાળુઓને ફરજ પરના સિક્યુરિટી જવાને દીવો પ્રગટાવવાની ના પાડતાં યાત્રાળુઓ અને ફરજ પરના સિકયુરિટી જવાનો વચ્ચે તાજેતરમાં ઝઘડો થયો હતો. યાત્રાળુઓએ નજીકમાં પડેલા નારિયેળના ઢગલામાંથી છૂટ્ટા નારિયેળ મારી હુમલો કરતાં એક સિકયુરિટી ગાર્ડને ગંભીર ઈજાઓ થતાં હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના અંગે પાવાગઢ પોલીસે બે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાવાગઢમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ ન વધે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ચડાવાતા નારિયેળ - પ્રસાદ - ચૂંદડી લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. તાજેતરમાં પાવાગઢ મંદિરના પગથિયા પાસે મંદિર દ્વારા મુકાયેલા ખાનગી સિકયુરિટીના જવાનો ફરજ પર તૈનાત હતા. મંદિરમાં હાલ નારિયેળ પ્રસાદ લઈ જવાની મનાઈ છે તેથી જવાનો નારિયેળ લઈ જતા યાત્રાળુઓને અટકાવી ચોકમાં જ મૂકી દેવાની ફરજ પાડતા હતા.
દરમિયાન અમદાવાદ બાપુનગરના જ્યેન્દ્ર ધનજી દલવાડી અને લોકેશ પૂનમ વછેરા મંદિરના પગથિયાં પાસે દીવો પ્રગટાવવા જતાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ મુકેશ ભભોર, અશ્વિન પરમાર અને પ્રવીણ રાઠોડે તેમને અટકાવ્યા હતા. જ્યાં જ્યેન્દ્ર અને લોકેશને સિક્યુરિટી જવાનો સાથે ઝઘડો થતાં યાત્રાળુઓએ ઝપાઝપી કરી નજીકમાં પડેલ નારિયેળ ઉઠાવી સિક્યુરિટી જવાનો પર મારો ચલાવતાં માહોલ ગરમાયો હતો.