હાલોલઃ કોરોના મહામારીની બીજી લહેર ભયાજનક કક્ષાએ પહોંચતા સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી મંદીરના દ્વાર મંદિર ટ્રસ્ટે ભક્તોના દર્શનાર્થે ચૈત્રી નવરાત્રિ દરમિયાન ૧૭ દિવસ માટે બંધ રાખવા નિર્ણય કર્યો છે. શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન માં કાલીના દર્શનનો ચૈત્રી નવરાત્રિ તેમજ આસો નવરાત્રિ દરમિયાન ભક્તોમાં વિશેષ મહિમા રહ્યો છે. એક અંદાજ મુજબ ચૈત્રી નવરાત્રિ દરમિયાન અંદાજિત ૧૫ લાખ ઉપરાંત માઈભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવવા આવે છે. ગત માર્ચ માસથી કોરોનાની મહામારીએ ભારતમાં હાહાકાર મચાવ્યો છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન લાખો માઇભક્તો માતાજીના દર્શનાર્થે આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન અશક્ય હોઈ તેમજ માઇ ભક્તોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધે નહી તે અર્થે તા. ૧૨ એપ્રિલથી તા. ૨૮ એપ્રિલ સુધી ભક્તોને માતાજીના દર્શનનો લાભ મળશે નહીં નવરાત્રિમાં ભક્તો માતાજીના ઓનલાઈન દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટે કરી છે.