હાલોલઃ યાત્રાધામ પાવાગઢના ડુંગર આવેલ ઇંટોરીયા કુંડની બાજુના ખુલ્લા મેદાન રાખવામાં આવેલ ઐતિહાસિક ધરોહર સમાન તોપ ઘણા વર્ષોથી ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં ગરકાવ થઇ ગયેલ છે. જેને બહાર કાઢવાના કોઈ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા નથી.
પાવાગઢ ને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. અત્યારે પાવાગઢ ખાતે ૧૧૧ સ્થાપત્યો આવેલ છે. જેમાંથી ૩૯ સ્થાપત્યો ભારતીય પૂરાતત્વના તાબા હેઠળ આવે છે. જ્યારે પાવાગઢ વર્લ્ડ હેરિટેજ સાઇટ ગુજરાતની પ્રથમ તેમજ સૌથી મોટી હેરીટેજ સાઈડ છે. જ્યાં ૧૪મી થી ૧૫મી સદીના સ્થાપત્ય આવેલા છે.
પાવાગઢના ઈતિહાસમાં સદીઓ પહેલાના શાસકો દ્વારા સુરક્ષા વિશેષ ધ્યાન રાખવામાં આવતું હતું. જે અંતર્ગત શાસકો દ્વારા ડુંગરની સુરક્ષા અર્થે ઈંટોરીયા કુંડની બાજુમાં ખુલ્લા મેદાનમાં દુશ્મનોના હુમલાને પહોંચી વળવા માટે તેમજ વળતો જવાબ આપવા માટે વિશાળ તોપ ગોઠવવામાં આવી હતી. અને જેનાથી દુશ્મનો સાથે યુધ્ધમાં સામનો કરી શકાય.
વર્ષો બાદ શાસકો બદલાતા ગયા પરંતુ હાલમાં આ તોપ ઐતિહાસિક ધરોહર સમાન ગણી અને એની જાળવણી થવી જરૂરી છે. આ તોપ લાંબા સમયથી ડુંગરની પાછળના ભાગ એવા ટીંબી બાજુ અંદાજે ૧૫૦૦ ફૂટ જેટલી ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયેલ છે.
જોકે આ તોપ ઊંડી ખીણમાં કઈ રીતે પહોંચે તે અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોઈ તોફાની તત્વો દ્વાર આ તોપને ધક્કા મારી ખીણમાં ગબડાવી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.