પિતાની અંતિમ ઇચ્છા પૂરી કરવા પુત્રનું ડાકોર મંદિરને રૂ. ૧.૧૧ કરોડનું દાન

Monday 26th October 2020 12:57 EDT
 
 

ડાકોરઃ રણછોડરાયમાં શ્રદ્ધા ધરાવતા અમદાવાદના રાજુભાઈ પટેલને પ્રભુએ જે આપ્યું છે તેનો ઋણભાર અર્પણ કરવાની ઇચ્છા હતી, પણ ઈચ્છા પૂર્ણ થાય તે પહેલાં તેમનું અવસાન થયું હતું. પિતાની ઇચ્છા અને પ્રભુનો ઋણભાર ચૂકવવા રાજુભાઈ પટેલના પુત્ર અને વેપારી સુજલ પટેલ પરિવાર સાથે ડાકોર ગયા હતા અને રવિવારે વિજયાદશમીએ રણછોડરાય મંદિરને ૧ કરોડ ૧૧ લાખ ,૧૧ હજાર ૧૧૧ રૂપિયાના દાનનો ચેક શ્રીજીમહારાજના ચરણોમાં સમર્પિત કર્યો હતો.

પહેલીવાર આટલી મોટી રકમનું દાન ચેકથી

ડાકોરના ઠાકોરના કૃપા પાત્ર ભક્તો શ્રદ્ધાળુઓ પ્રભુને પોતાની શક્તિ સંપન્નતા અનુસાર દાન અર્પણ કરતા હોય છે. ક્યારેક ચીજ વસ્તુઓ અને સોના ચાંદી તેમજ ઘરેણાંનું દાન પ્રભુના દરબારમાં સતત ઠાલવાતું રહે છે. જોકે રવિવારે વિજયાદશમીના રોજ ડાકોર મંદિરના ઈતિહાસમાં સૌ પ્રથમવાર રૂ. ૧ કરોડથી વધુની રકમનું રોકડ દાન ચેક દ્વારા આવ્યું હતું. જેથી મંદિરમાં પણ વિજયઉત્સવની ખુશીઓ બેવડાઈ ગઈ જણાતી હતી.

પિતાની ઈચ્છા પૂર્ણ કર્યાનો સંતોષ

અમદાવાદમાં કેમિકલ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ સુજલ રાજુભાઈ પટેલ દ્વારા તેમના પિતા સ્વ. રાજુભાઈ સોમાભાઈ પટેલની યાદમાં આ માતબર રકમનો ચેક મંદિરમાં શ્રીરણછોડરાય પ્રભુના ચરણો અર્પણ કરાયો હતો. પિતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કર્યાનો સંતોષ આ પટેલ પરિવારે વ્યક્ત કર્યો હતો.

મંદિરના પૂજારી દ્વારા આ માતબર રકમની દાનનો ચેક પ્રભુની નજર સમક્ષ લઈ જઈ પ્રભુને બતાવી મંદિરના ભંડારે સ્વીકૃત કરાયો હતો. ડાકોર મંદિર મેનેજમેન્ટ દ્વારા દાતા કુટુંબનું સમ્માન કરાયું હતું. આ પ્રસંગે ડાકોર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ જોષી, ટ્રસ્ટી અરુણભાઈ મહેતા તેમજ મેનેજર અરવિંદભાઈ મહેતા અને જગદીશભાઈ દવે ઉપરાંત મંદિરના સેવક પૂજારી આગેવાનો ઉપરાંત અમૂલ ડેરી ચેરમેન રામસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

૮૬૫ વર્ષના ઈતિહાસમાં ડાકોરમાં દશેરાની પરંપરા તૂટી

વિજયાદશમીના દિવસે શ્રીજીની ગજરાજ ઉપર શાહી સવારી નીકળે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ૮૬૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભગવાન નગરના મોતીબાગમાં રક્ષા (રાખડી) છોડવા ન ગયા. સાંજે ૫.૦૦ વાગ્યે મંદિર પરિસરમાં પાલખી તથા અશ્વ પર બિરાજમાન કરાવીને પરિક્રમા કરીને જ સંધ્યાકાળ સમયે વિધિવત રીતે શ્રીજી રક્ષા (રાખડી) છોડાઈ હતી. આ પર્વ પ્રસંગે રાવણના સંહાર કરવાના હેતુસર શ્રીજીએ રામસ્વરૂપ ધારણ કર્યું હતું. ભગવાનને સુવર્ણ મઢિત શસ્ત્રો, અસ્ત્રો અર્પણ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter