ચાંગા: ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF)ના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ-ચાંગા ખાતે લાભપાંચમના દિવસે ‘લલિતાબેન પી. ડી. પટેલ ઓપીડી સર્વિસિસ’નું ઇ-લોકાર્પણ અને નામકરણ સમારંભ યોજાયો હતો. મલ્ટી સ્પેશિયાલિટી ટીચિંગ ચારુસેટ હોસ્પિટલમાં આણંદ બીએપીએસ મંદિરના કોઠારી ભગવતચરણ સ્વામીના વરદ હસ્તે ઇ-લોકાર્પણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે ચારુસેટ હોસ્પિટલમાં દાતા પી. ડી. પટેલ પરિવાર (પીપળાવ/વડોદરા/દુબઈ) તરફથી રૂ. ૮ કરોડનું જયારે ચારુસેટ યુનિવર્સિટીને રૂ. ૭ કરોડનું દાન મળ્યું છે. આમ પી. ડી. પટેલ અને તેમના સુપુત્રો મનુભાઈ-રોહિતભાઈ પરિવારજનોએ કુલ રૂ. ૧૫ કરોડનું માતબર દાન આપ્યું છે. પી. ડી. પટેલ પરિવાર મિડલ ઈસ્ટ અને યુરોપના દેશોમાં ટ્રાન્સફોર્મર્સ ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે.
ઇ-લોકાર્પણ અને નામકરણ સમારંભમાં દુબઈથી દાતા લલિતાબેન પી. ડી. પટેલ પરિવારના સભ્યો મનુભાઈ, રોહિતભાઈ અને તેમના પરિવારજનો જોડાયા હતા. તો અહીંથી માતૃસંસ્થા CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, સેક્રેટરી ડો. એમ. સી. પટેલ, ઉપપ્રમુખ સી.એ. પટેલ, અશોકભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મધુબેન પટેલ, ગિરીશભાઈ સી. પટેલ, ટ્રસ્ટી ચંદ્રકાંત પટેલ, વી. એમ. પટેલ, આર. વી. પટેલ, નવનીતભાઈ પટેલ, ડો. બી. જી. પટેલ, દિલીપભાઈ પટેલ, યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદઘાટન પ્રસંગે ભગવતચરણ સ્વામીએ જણાવ્યું હતું કે ચારુસેટમાં સુરેન્દ્ર એમ. પટેલ, ડો. એમ. સી. પટેલ, નગીનભાઇ પટેલ અને સમગ્ર નિષ્ઠાવાન મેનેજમેન્ટ ટીમ નિસ્વાર્થ સેવા કરે છે તેનો આનંદ છે. આ સેવાભાવનાના કારણે સહિયારા શિક્ષણ અને સ્વાસ્થ્યયજ્ઞમાં દાનનો અસ્ખલિત પ્રવાહ વહી રહ્યો છે.
આ પ્રસંગે દુબઈથી ઓનલાઇન જોડાયેલા બીએપીએસના સંત બ્રહ્મવિહારીદાસ સ્વામીએ આશીર્વચન આપતા કહ્યું હતું કે આજના સમાજ-જીવનમાં હકારાત્મકતા - POSITIVITY મહત્વની બાબત છે. હકારાત્મકતા માનવીને ટોચ પર લઈ જાય છે જયારે નકારાત્મકતા અધ: પતન તરફ ધકેલે છે. પ્રવર્તમાન કોવિડ-૧૯ મહામારીના આ સમયમાં સૌએ હકારાત્મકતા અપનાવવી જોઈએ. મહામારીના આ દિવસોમાં બધાની સામાજિક સિસ્ટમ બદલાઈ છે ત્યારે પી. ડી. પટેલે અપનાવેલો હકારાત્મકતા - POSITIVITYનો ગુણ આજે દરેકે અનુસરવા જેવો છે. મનમાં હકારાત્મકતા રાખીને કાર્ય કરવાથી સફળતા સાંપડે જ છે. ફૂડ હેબિટ - લિવિંગ હેબિટ તનની ઇમ્યુનિટી વધારે છે તો જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ મનની ઇમ્યુનિટીને બળવાન બનાવે છે. મનમાંથી નકારાત્મકતા દૂર કરવાથી માનસિક શાંતિ મળે છે. જીવન જીવવાની શક્તિ - દિશા સાંપડે છે. શિક્ષણ – સ્વાસ્થ્ય ક્ષેત્રે ચારુસેટ જેવી સુંદર સંસ્થા નમૂનેદાર કાર્ય કરી રહી છે તે અંગે તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો.