આણંદઃ રાજ્યભરમાં કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે. મોટાભાગના લોકો બેદરકારી દાખવે છે. ત્યારે બેજવાબદાર નાગરિકો અને બેદરકાર વ્યાવસાયિકોને રાહ ચીંધે તેવો બોરસદનો એક રિક્ષા ચાલક લોક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બોરસદના વાસણા ગામે રહેતા બુધાભાઈ રિક્ષા ચલાવી રોજગાર મેળવે છે. ગત લોકડાઉનમાં તે શિક્ષિકાઓને શાળામાં મુકવા લેવા જવાની વર્ધી કરતા હતા. જે સમયે એક શિક્ષિકાએ તેમને કોરોના સંક્રમણની ગંભીરતા સમજાવી સાવચેતી અને તકેદારી રાખવા એક પીપીઈ કીટ ભેટ આપી હતી. રિક્ષા ચાલકને કોરોના વાયરસથી શિક્ષિકાએ વાકેફ કરતાં રિક્ષા ચાલકે વધુ બીજી બે પીપીઇ કીટ અને સેનેટાઇઝર ખરીદ્યા હતા. ત્યારથી રિક્ષા ચાલક બુધાભાઈ રોજ પીપીઈ કીટ પહેરીને જ રિક્ષા ચલાવે છે, તેમજ મુસાફરો ઉતરે એટલે રિક્ષાને સેનેટાઈઝ કરીને પોતાનું અને અન્ય પેસેન્જરનું ધ્યાન રાખે છે. બુધાભાઈ પોતાનું અને અન્ય પેસેન્જરનું આટલુ ધ્યાન રાખતાં હોવાથી લોકો પણ તેમની રિક્ષામાં બેસવાનો આગ્રહ રાખે છે. જેથી તેમના ધંધામાં પણ બરકત રહે છે.
રિક્ષા ચાલક જરૂરીયાદમંદને નિઃશુલ્ક સેવા આપે છે
આ ઉપરાંત બુધાભાઈ ગરીબ, માંદા વ્યક્તિ, કે દર્દી તેમજ વયસ્ક વ્યક્તિ રિક્ષામાં બેસે તો નિઃશુલ્ક સેવા આપે છે. દર્દીઓને હોસ્પિટલમાં મૂકી આવે છે અને જરૂર પડે પરત પણ લઈ આવે છે અને મુસાફરોને કોરોના ગાઈડલાઈન અનુસરવા સમજાવે છે. આ સાથો સાથ ઘરે પોતાના માતા-પિતાઅને બહેનને પણ કોરોનાથી બચવા માટે સાવચેતી રખાવે છે. અન્ય રિક્ષા ચાલકો વચ્ચે આણંદ જિલ્લાનો આ રિક્ષાવાળો અલગ જ ઉભરી આવ્યો છે.