વડોદરાના માંજલપુરમાં ફાધર્સ ડે પૂર્વેની ઘટનામાં ૭૨ વર્ષના હિતેશભાઇ ભૂપતાણીએ ઇજાગ્રસ્ત પુત્રને મૃત ન જોવો પડે તે માટે સંસાર છોડી દીધો હતો. હજી પરિવારને આઘાતની કળ વળે તે પહેલાં ૧૯મીએ પુત્ર ભાવેશનું પણ રવિવારે મોત થયું હતું. ૧૭મીના રોજ મનીષા ચોકડી પાસે ભાવેશ (૪૨)નું સ્કૂટર સ્લિપ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બ્રેઇન હેમરેજનું નિદાન થયું હતું અને તબીબોએ તેની બચવાની આશા નહીંવત હોવાનું કહેતાં પિતાએ આઘાતમાં મોત વહાલું કર્યું હતું.
• જાણીતા શિક્ષણવિદ ડો. વી. વી. મોદીનું નિધનઃ શિક્ષણશાસ્ત્રી ડો. વી. વી. મોદીનું ૮૭ વર્ષની વયે બીમારી બાદ ૧૭મી જૂને મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. ૧૮મીએ સવારે વડોદરામાં તેમનાં અંતિમસંસ્કાર કરાયા હતા. વડોદરાની ફેકલ્ટી ઓફ સાયન્સના ડિન પદે રહી ચૂકેલા ડો. મોદી કેટલાક સમયથી હોસ્પિટલમાં સારવાર લેતા હતા. ડો. મોદીએ યુનિ. ઓફ લિવરપુલમાં પીએચડી કરી હતી. ત્યારબાદ તેઓ યુકેથી વડોદરા પરત ફર્યા હતા. મ. સ. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા હતા અને માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની સ્થાપના ૧૯૬૪માં કરી હતી.
• પત્નીને યુએસ લઈ જવાની જીદમાં પતિનું અપહરણઃ મૂળ પાદરાના અને વડોદરામાં રહેતા આકાશ પટેલ પત્ની ચીરાને લઈને યુએસ જવા ઇચ્છતા હતા. જોકે ચીરાને જવું નહોતું. આ મુદ્દે બંને વચ્ચે ખટરાગ થતાં ચીરાના સંબંધીઓએ આકાશનું અપહરણ કર્યું. આ મુદ્દે પાદરાના રાજકીય અગ્રણીએ દરમિયાનગીરી કરીને હવામાં ફાયરિંગ કરતાં આકાશને છોડી મુકાયો હતો.