ચાણસદ: બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) મહાન સંત પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ મહાપુરૂષનું જન્મસ્થળ ચાણસદ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જન્મશતાબ્દી મહોત્સવની ઉજવણીનો થનગનાટ ચાણસદમાં નજરે પડી રહ્યો છે.
વડોદરાથી પાદરા થઇને વાયા દરાપુર ચાણસદ પહોંચાય છે. ગામ બહાર ભવ્ય પ્રવેશદ્વાર છે પણ પ્રથમ નજરે જોતા કોઇને અણસાર ન આવે કે આ ગામ પૂ. પ્રમુખસ્વામી મહારાજનું જન્મસ્થળ હશે. ગામના તુષારભાઇ પટેલ કહે છે કે, નારાયણ સરોવરનું બ્યૂટીફિકેશન કરીને તાજેતરમાં જ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસે વિવેકસાગર સ્વામીએ ખુલ્લું મુક્યુ હતું અને આરતી કરી હતી. આજે પણ અહીં રોજ સાંજના સમયે મહાઆરતી થાય છે. આ નારાયણ સરોવ૨ની વિશેષતા એ છે કે, પ્રમુખસ્વામી મહારાજ 18 વર્ષ સુધી ગામમાં રહ્યાં હતાં. એટલે આ સરોવરમાં 18 ઘુમટીઓ બનાવવામાં આવી છે. ચાણસદમાં વર્ષે અઢી લાખ લોકો દર્શનાર્થે આવે છે. આગામી દિવસોમાં આ ઘુમટીઓમાં સ્વામીજીના ગામ સાથે સંકળાયેલા 18 પ્રસંગો રજૂ કરવામાં આવશે. ગામની રજેરજ પ્રમુખસ્વામીની યાદો સાથે જોડાયેલી છે, પરંતુ ચાણસદ આજે પણ એ જ જુની ઢબનું ગામ છે.