નડિયાદ: સંસ્કૃત ભાષા-સાહિત્યના પ્રકાંડ વિદ્વાન, ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને લેખક કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નિધન થયું છે. 1926માં જન્મેલા કુલીનચંદ્ર યાજ્ઞિક ઈન્દુચાચાના નામથી જાણીતા ઈન્દુલાલ યાજ્ઞિકના પિતરાઈ ભાઈ થતા હતા.
સંસ્કૃત સુભાષિતોની કોલમ માટે જાણીતા યાજ્ઞિક 1951માં તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારમાં નાયબ માહિતી મદદનીશ તરીકે જોડાયા હતા. 1973માં તેમને આઈએએસ કેડરનું પ્રમોશન મળ્યું હતું. ગુજરાતમાં મધ્યાહન ભોજનની યોજના લાગુ કરવામાં તેમની ચાવીરૂપ ભૂમિકા હતી. વડોદરાના કલેક્ટર હતા ત્યારે શહેરમાં કોમી રમખાણો વેળા તેમણે કૂનેહથી બંને કોમ વચ્ચે શાંતિ સ્થાપી હતી. સરકારના ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં તેમનું ગાંધીનગર કે અમદાવાદમાં પોતાની માલિકીનું મકાન નહોતું. તેઓ વતન નડિયાદના વારસાઈ ઘરમાં રહેતા હતા, અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.