આણંદઃ અનુપમ મિશન મોગરીના સ્થાપક ટ્રસ્ટી તથા સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલનું પહેલી એપ્રિલના રોજ નિધન થયું છે.
સત્સંગ, સેવા, શિક્ષણ એ તેમના જીવનનાં મુખ્ય પાસાં હતા. યોગીબાપાની આજ્ઞાથી વિદ્યાનગરને વરેલા જશભાઈ સાહેબના સૈનિક, સેનાની, સખા અને ભક્ત એવા ડો. વી. એસ. પટેલનો પહેલી એપ્રિલે જ ૭૭મો જન્મદિન હતો. તેમની વિદાયથી અનુપમ મિશન, ચારુતર વિદ્યામંડળ અને ગુજરાતના શિક્ષણ જગતને ન પૂરાય એવી ખોટ પડી છે. અનુપમ મિશનમાં થયેલા તેમના અંતિમ સંસ્કારમાં આણંદ-વિદ્યાનગરના વિવિધ શિક્ષણ સંસ્થાઓના અગ્રણીઓ, યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. તેઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હોવાથી એમ.એસસી., પીએચ.ડી. કર્યા બાદ સરદાર પટેલ યુનિવર્સિટીના રસાયણ વિભાગમાં લેક્ચરર તરીકે જોડાયા હતા. તેમની વિદ્યાનિષ્ઠા, તેજસ્વીતા અને કાર્ય કરવાની કુશળતાને કારણે તેમની પ્રગતિ સતત થતી રહી. સમયાંતરે સાયન્સ ફેકલ્ટીના ડીન થયા અને પૂરા છ વર્ષ સુધી સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ રહ્યા હતા. તેમના કાર્યકાળમાં યુનિવર્સિટીમાં ઘણાં નવા વિભાગો ખુલ્યા, યુનિવર્સિટી રાષ્ટ્રીય કક્ષાએ ‘ફોર સ્ટાર’ મેળવનાર સમગ્ર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની હતી.