વડોદરાઃ મુક્તાનંદ સર્કલ પાસે ૨૭મી નવેમ્બરે એનઆરઆઈ મિત્તલ સરૈયા (ઉં. ૫૧) ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ૨૭મીએ બપોરે પોણા બે વાગે વડોદરાના પૂર્વ ક્રિકેટર મિત્તલે તેમની માતા સાથે વાત કરી હતી. માતાએ તેમને લેવા કાર મોકલવાનું કહેતા તેમણે ‘ચાલતો જ ઘેર આવું છું’ તેમ જણાવ્યું હતું. પોલીસે તેઓ ગુમ થયા એ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેઓ પોતાની સોસાયટીના ગેટ પાસે ઉભી રહેલી રિક્ષામાં બેસીને બેદી સંજોગોમાં ક્યાંક જતા રહ્યા હોવાનું અનુમાન લગાવાયું છે.
૩૦ વર્ષથી અમેરિકા સેટ થયેલા મિત્તલ ફ્લોરિડામાં ‘મિત્તલ ડિપાર્ટમેન્ટલ સ્ટોર’ ચલાવતા હતા. બીમાર પિતાની તબિયત જોવા તેઓ ૨૪મી નવેમ્બરે વડોદરા આવ્યા હતા. તેઓ ૧લી ડિસેમ્બરે પરત જવાના હતા.
૨૭ નવેમ્બરે બપોરે દોઢ વાગ્યાના અરસામાં તેઓ તેમના ઘરની નજીકમાં આવેલી ખાનગી બેંકમાં આર્થિક વ્યવહારો માટે ગયા બાદ બેંકમાંથી તેમનો પાસપોર્ટ માગવામાં આવતા પાસપોર્ટ લેવા માટે તેઓ બપોરે ૧.૪૫ વાગે બેંકમાંથી બહાર નીકળીને ઘરે આવવા નીકળ્યા હતા. જોકે ઘેર જવાના બદલે મિત્તલ સરૈયા રહસ્યમય રીતે સોસાયટીના ગેટ પાસેથી રિક્ષામાં બેસીને ક્યાંક જતા રહ્યા હતા.
સીસી ટીવીની ચકાસણી
મિત્તલના ગુમ થવાની ઘટનાના ૭૨ કલાક બાદ પોલીસે અલગ અલગ વિસ્તારના ૧૦૦થી વધુ સીસી ટીવી ફૂટેજ ચેક કરતાં મિત્તલ જે રિક્ષામાં બેઠા તે રિક્ષાચાલકની ઝીણવટભરી પૂછપરછ કરાઈ. રિક્ષાચાલકે કહ્યું કે, તેણે મિત્તલને એસ. ટી. ડેપોએ ઉતાર્યા હતા. પોલીસે એસટી ડેપોના સીસી ટીવી ફૂટેજ ચકાસ્યા, પણ મિત્તલ ડેપોમાં ગયા હતા કે કેમ એ જાણી શકાયું નહીં.
શહેર છોડયું?
મિત્તલ ઈન્ટરનેશનલ રોમિંગ ઉપર વડોદરા આવ્યા હતા. ૨૭મીએ બપોરે ૨.૧૫ વાગ્યાથી તેમનો ફોન સ્વિચ ઓફ હતો. જોકે તેમને તેમનાં પત્નીનો સવારે યુએસથી ફોન આવ્યો હતો. પોલીસને શંકા છે કે, મિત્તલ ઘરેથી બેંકમાં જવા નીકળ્યા ત્યારે તેમની પાસે લેપટોપ બેગ હતી જેમાં કપડાં ભરીને નીકળ્યા હોઈ શકે છે.
જોકે, મિત્તલના માસા જનકભાઇ શાહે કારેલીબાગ પોલીસમાં મિત્તલનું અજાણ્યા અપહરણકારોએ અપરહણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.