સુરતઃ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગણાતા ધીરુભાઈ ગજેરાએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાવાના સંકેત આપતા લોકસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (એ.આઈ.સી.સી.)ના સભ્ય તેમજ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ધીરુભાઈ અગાઉ વર્ષ ૧૯૯૯માં ભાજપની ટિકિટ ઉપરથી સુરત પૂર્વ વિધાનસભા ચૂંટણી જિત્યા હતા અને ત્યાર બાદ તત્કાલીન નેતાઓ સાથે વાકું પડતાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી તેઓ એક લોકસભા અને ત્રણ વખત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ જીતનો સ્વાદ એક પણ વખત ચાખવા નહોતો મળ્યો. જ્યારે કોંગ્રેસના જૂથવાદ અને પક્ષ સામે અસંતોષ હોવાનો સ્પષ્ટ આક્ષેપ કરતા ગજેરાએ કોંગ્રેસને છોડી દીધા છે આગામી વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે અમરેલીથી ચૂંટણી લડવા અંગે તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાને તેઓ મળ્યા નથી એટલે પક્ષ પ્રવેશ બાદ જ ચૂંટણી અંગે કોઈ વિચારમા થઈ શકે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં.