કોંગ્રેસના પીઢ નેતા, રાજ્યના પૂર્વ નાણા પ્રધાન અને પૂર્વ સાંસદ સનત મહેતા (૯૧)નું ૨૦ ઓગસ્ટે સાંજે ૭ વાગે વડોદરામાં અવસાન થયું હતું. ૧૮ ઓગસ્ટે તેમની તબિયત બગડતાં તેમને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને ગુરુવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સવારે તેમનું વેન્ટિલેટર ખસેડ્યા પછી પણ સાંજ સુધી તેમનો શ્વાસોશ્વાસ ચાલુ રહ્યો હતો. સાંજે ૭ વાગે તેમણે પ્રાણ છોડ્યા હતા. તેઓ તેમની પાછળ પુત્ર શિતલ, પુત્રી શ્યામલી સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. સદ્ગતનો નશ્વરદેહ શુક્રવારે સવારે પંચમહાભૂતમાં વિલિન થયો હતો.
૧૯ એપ્રિલ ૧૯૨૫ના રોજ ભાવનગર જિલ્લાના બોટાદ નજીકના જેસર ગામમાં જન્મેલા સનત મહેતાએ ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ સરદાર સરોવર નિગમના પ્રથમ ચેરમેન, ગુજરાત સરકારના નાણાં પંચના અધ્યક્ષ, ૧૯૪૧-૪૨થી મજૂર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આદિવાસીઓ, અસંગઠિત શ્રમિકો, મહિલાઓ માટેની સંસ્થાઓમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. સદ્ગતને વડા પ્રધાન, રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, સોનિયા ગાંધી સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સ્વ. સનત મહેતા અને તેમનાં પત્ની અરુણાબેન નાડકર્ણી ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના તંત્રી-પ્રકાશક સી.બી. પટેલ સાથે ૧૯૫૪થી ગાઢ સંબંધ ધરાવતા હતા. તે બંને મજૂર યુનિયનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. સ્વ. મહેતા લંડનમાં ગુજરાત સમાચાર કાર્યાલયની મુલાકાત પણ લઇ ચૂક્યા છે. જ્યારે વડોદરામાં સી. બી. પટેલનું NRI એવોર્ડથી સન્માન થયું ત્યારે તે સમારંભમાં પણ સનતભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાઇને ધરપકડ વહોરી હતી. વડોદરાને કાર્યક્ષેત્ર બનાવનાર સનત મહેતા ૧૯૫૨માં વાગરામાંથી પીએસપીના ઉમેદવાર તરીકે પરાજિત થયા હતા. ૧૯૫૪માં વડોદરા સુધરાઇમાં કાઉન્સિલર બન્યા હતા. ૧૯૫૮થી ૬૦ સુધી વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા. ૧૯૬૭, ૧૯૭૨, ૧૯૭૫, ૧૯૮૦ એમ ચાર વાર ધારાસભ્ય બન્યા હતા. ૧૯૯૬માં સાંસદ બન્યા બાદ કેન્દ્ર સરકારની વિવિધ સમિતિઓમાં પણ તેમણે સભ્ય તરીકે સેવા આપી હતી. આ અગાઉ રાજ્ય સરકારમાં પણ વિવિધ ખાતાઓ તેમણે સંભાળ્યા હતા.