ચાણસદઃ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ એવા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે રવિવારે નવનિર્મિત નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું. તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતની અસ્મિતાને ઉજાગર કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ પ્રસંગે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ પ્રમુખસ્વામી મહારાજના સંસ્મરણો વાગોળ્યા હતા. સંસ્થાના સદગુરુ સંતો પૂજ્ય ભક્તિપ્રિયસ્વામી અને પૂજ્ય ઇશ્વરચરણસ્વામીની પાવન ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું.
પ્રમુખસ્વામી મહારાજની બાલ્યાવસ્થા તથા શૈશવ કાળના અઢાર વર્ષના જળક્રીડા સહિતના સંસ્મરણોને સાડા આઠ દાયકાથી જીવંત રાખતા પ્રાસાદિક સરોવરનો રાજ્ય સરકાર અને બીએપીએસ સંસ્થા દ્વારા સંયુક્ત પ્રયાસોથી કાયાકલ્પ કરાયો છે. બે લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ નારાયણ સરોવરની એક કિમી લાંબી પરિક્રમામાં બાળ શાંતિલાલના 18 વર્ષના ચાણસદ નિવાસના પ્રતીક સ્વરૂપ 100 ચોરસ ફૂટની એક એવી 18 ઘુમટીઓ બનાવાઇ છે. અહીં ગુરુમહિમા વર્ણવતા ભજનો - સાખીઓની સુરાવલી સાથે રંગબેરંગી રોશનીથી ઝળહળતા જળપ્રપાત સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સંગીતમય ફુવારાઓ ઉપરાંત સરોવરની પશ્ચિમ કિનારે મહિલાઓ અને પુરુષો માટેના ત્રણ હજાર ચોરસ ફૂટ ક્ષેત્રફળના બે અલાયદા સ્નાન ઘાટમાં નારાયણ સરોવર તરફ પારદર્શક કાચના કારણે સ્નાનઘાટ અને સરોવરના પાણીનું સ્તર એક સરખું હોવાના કારણે વિકસિત દેશોમાં હોય છે તે રીતે ઇન્ફિનિટી પૂલની અનુભૂતિ કરાવશે.
આ પ્રસંગે રાજ્ય સરકારના પ્રવાસન અને યાત્રાધામ મંત્રી મૂળુભાઇ બેરા, વિધાનસભાના મુખ્ય દંડક બાલુ શુકલા, રાજ્ય સભાના સાંસદ નરહરિ અમીન, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, યોગેશ પટેલ, ચૈતન્ય દેસાઇ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મેયર નિલેશ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડીયા, પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.