અમદાવાદઃ મધ્ય ગુજરાતમાં કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બની રહ્યું છે. માત્ર ભારતમાંથી જ નહીં, વિશ્વભરના પ્રવાસીઓ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવી રહ્યાં છે. થોડા થોડા સમયના અંતરે નવા આકર્ષણો ઉમેરાઇ રહ્યા હોવાથી પ્રવાસીઓ આકર્ષાઈ રહ્યા છે. પરિણામે આજે ન્યૂ યોર્કમાં આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં વધુ લોકપ્રિય બન્યું છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને નિહાળવવા માટે દરરોજ ૧૦ હજાર પ્રવાસીઓ આવે છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે રોજ ૧૫ હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેઓ ખુદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા ઈચ્છુક છે. આથી જ કેવડિયા કોલોની ખાતે પ્રવાસીઓના નવા નજરાણાંરૂપી અનેકવિધ પ્રોજેક્ટ આકાર પામી રહ્યાં છે. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, બોટિંગ, ખલવાણી ઈકો ટુરિઝમ, ગ્લો ગાર્ડન, ડાયનાસોર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત પ્રવાસીઓને બજેટ અનુરૂપ રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ બધીય સગવડોને પગલે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વીકેન્ડ એટલે કે શનિ-રવિવારે તો ૨૨,૪૩૦ પ્રવાસીઓ નોંધાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું ત્યારથી એટલે કે પહેલી નવેમ્બર ૨૦૧૮થી માંડીને ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં ૭૪ ટકાનો તોતિંગ વધારો થયો છે.
મહત્ત્વની વાત તો એ છે કે ન્યૂ યોર્કમાં આવેલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા રોજ સરેરાશ દસ હજાર લોકો આવે છે જ્યારે થોડાક જ વખતમાં દેશમાંથી જ નહીં, વિશ્વમાં બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે બિરૂદ મેળવી ચૂકેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા અત્યારે રોજ ૧૫ હજાર લોકો આવી રહ્યાં છે.
અને જો સરકારનો દાવો માનવમાં આવે તો હજુય આ સંખ્યામાં ઘણો વધારો થશે. પ્રથમ વર્ષે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પ્રતિ દિન સરેરાશ ૮૬૫૩ પ્રવાસીઓએ નિહાળ્યું હતું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક જ વર્ષમાં પ્રતિ દિન સરેરાશ ૧૫,૦૩૬ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
જો મુલાકાતીઓનો સરવાળો કરીએ તો કહી શકાય કે અત્યાર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૩૦,૯૨,૭૨૩ પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે અને ગુજરાત સરકારને રૂ. ૮૫.૫૭ કરોડની આવક થઈ છે.