પ્રિયતમા પાસે યુએસ જવા કેનેડાના પીઆર ધરાવતી યુવતી સાથે યુવકે તરકટી લગ્ન કર્યાં

Wednesday 19th April 2017 09:07 EDT
 
 

આણંદઃ વડોદરાના મકરપુરા રોડ ઉપર આકાશ કોમ્પલેક્સમાં રહેતા નારણભાઈ જશુભાઈ પટેલની ભાણી કૃતિ કેનેડા સિટીઝન હતી અને લગ્ન માટે ભારત આવી હતી. આણંદનાં નીલકંઠ સોસાયટીમાં રહેતા જયમીન પંડ્યાને તેની પ્રેમિકા સાથે અમેરિકા જવું હતું, પરંતુ તે ભારતથી સીધા અમેરિકાના વિઝા મેળવી શકે તેમ ન હોઈ તેણે કેનેડા અને કેનેડાથી અમેરિકા પોતાની પ્રિયતમા પાસે જવા માટે કાવતરું રચીને આણંદમાં કૃતિ સાથે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા. કૃતિ મારફતે જયમીને કેનેડાની સ્પોન્સરશીપ મેળવવાની કાર્યવાહી કરી હતી. એ પછી માતા પિતા અને ભાઈની મદદથી પરમેનેન્ટ રેસિડેન્ટની કાર્યવાહી કરીને જયમીન ૧૦મી મે, ૨૦૧૪ના રોજ ભારતથી કેનેડા ગયો હતો. કેનેડા પહોંચ્યા બાદ જયમીન પંડ્યાએ કૃતિ સાથે કોઈ વ્યવહાર ન રાખ્યો અને કૃતિની જાણ બહાર પ્રિયતમા સાથે ટેલિફોનિક વાતચીત કરતો હતો. ૬ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ જયમીને હોમ સિકનેસનું બહાનું કાઢીને કૃતિના ખર્ચે કેનેડાથી ભારતની એર ટિકિટ કઢાવી અને કૃતિને કેનેડામાં મૂકીને ૧૭મી નવેમ્બર, ૨૦૧૪ના રોજ ભારત આવ્યો. એ પછી જયમીને કૃતિને આપેલી તારીખ મુજબ કેનેડા ન જતાં કૃતિએ પરિવારજનોને આ વાત જણાવી. તપાસ કરતાં જણાયું કે જયમીન કેનેડાના પીઆરના આધારે પ્રિયતમા સાથે અમેરિકા ભાગી ગયો હતો. આ ઘટના બાદ પણ જયમીન કે તેના પરિવારજનોએ કૃતિનો કોઈ સંપર્ક કર્યો ન હતો. જેથી કૃતિના મામા નારણભાઈ પટેલે પોલીસ ફરિયાદ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter