છોટાઉદેપુરઃ દેશવિદેશમાં ગુજરાત એક આધુનિક અને શિક્ષિત રાજ્ય હોવાની છાપને કલંક લગાડતી એક ઘટના અહીંના દેવાલિયા ગામમાં ઘટી છે. જેમાં બીજા રાજ્યોની ખાપ પંચાયતની જેમ જોહુકમી ચલાવીને પંચોએ સગીર વયના પ્રેમીપંખીડાને લગ્નના ઈરાદે ભાગી જવા બદલ ક્રૂર સજા ફટકારી હતી. આદિવાસી વસતિ વધુ ધરાવતા પ્રેમિકાને ઘોડો બનાવી તેની પર પ્રેમીને બેસાડીને ગામમાં વરઘોડો કાઢ્યો હતો. શરમથી માથું ઝૂકી જાય તેવી સજા બાદ વિચિત્ર ઢબે લગ્ન વિધિ કરાઈ હતી. જોકે, પછી પોલીસને આ અંગે જાણ થતાં સરપંચ સહિત ૧૩ શખસ સામે ગુનો દાખલ કર્યો હતો તથા પાંચ લોકોની ધરપકડ કરી હતી. જાહેરમાં સજાનું ફરમાન કરનારો સરપંચ ગુનો નોંધાતાં ભૂગર્ભમાં ઊતરી ગયો છે.
આ ગામમાં ધોરણ-૧૧માં ભણતી સગીર વયની છોકરીને તેના જ ગામના છોકરા પ્રેમ થયો હતો. બંને લગ્નના ઈરાદે ગામ છોડીને ભાગી ગયા હતા. આ વાત ગામમાં પ્રસરતા જ બંને પક્ષના આગેવાનો અને સગાં-સંબંધીઓ ભેગા થઈને શોધખોળ બાદ તેમને પકડીને ગામમાં લાવ્યા હતા. જ્યાં જાહેરમાં ગામના પંચો, સરપંચ તથા ગ્રામજનો ભેગા થયા ત્યાં બંનેને લાવવામાં આવ્યા હતા. ભાગી જવા બદલ તેમને જાહેરમાં કિશોરીને ઘોડી બનાવી અને પ્રેમી કિશોરને તેના પર બેસાડાયો હતો. ત્યારબાદ બંનેનો વરઘોડો કાઢ્યો હતો. જાહેરમાં શરમજનક સ્થિતમાં મુક્યા બાદ બંનેના લગ્ન પણ કરાયા હતા. પાઠ ભણાવવાના આશયથી કરાયેલી વિધિ પણ વિચિત્ર ઢબે કરી ચાંલ્લામાં છાણના ઢેફાં અને થોરના ઠુંઠા (કાંટાળા) આપવામાં આવ્યા હતા. ગામના આગેવાનોએ આટલે ન અટકતાં કિશોર-કિશોરીના પરિવારને રૂ. ૫૦૦૦ અને ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. તેમ જ ફરીથી બંને છોકરા-છોકરી મળશે તો પાંચ લાખ દંડ કરવાની શિક્ષા ફરમાવાઈ હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ કિશોરી ગામ છોડીને ક્યાંક ભાગી ગયાનું જાણવા મળેલ છે. સરકારી તંત્રને આ અંગે જાણ થતાં તપાસના આદેશ આપ્યા છે.