વડોદરા: શહેરના સીમાડાથી ૨૦ કિમીના અંતરે ડભોઇ જવાના રસ્તે દીવાળીપુરા ગામ છે. દીવાળીપુરા ફટાકડાના ગામ તરીકે જાણીતું છે. અહીં દર વર્ષે રૂ. ૪થી ૫ કરોડના ફટાકડા વેચાય છે, પણ આ દીવાળીએ જરાય ઘરાકી નથી. દીવાળીપુરાની વસ્તી માંડ એક હજારની છે. અહીં ફટાકડા શિવાકાશીથી જ આવે છે, પણ વર્ષોથી ફટાકડાના ગોડાઉનો હોવાને લીધે દીવાળીએ હંગામી કાચી દુકાનો ઊભી કરવામાં આવે છે. આ વર્ષે ૪૮ જેટલી દુકાનોમાં ફટાકડા વેચાઇ રહ્યા છે.
ફટાકડાના વેપારીઓ કહે છે કે, માર્ચ મહિનામાં જ ફટાકડા માટેના ઓર્ડર શિવાકાશીમાં કંપનીઓને આપી દેવાય છે. આ વખતે ઓર્ડર અપાયા બાદ કોરોનાનું સંકટ ઊભું થયું હતું એટલે માલ તો છે, પણ કોઈ ખરીદી કરતું નથી. આ ગામમાં ફૂટપાથ પર બેસીને રોકડિયો ધંધો કરનારા હજીય માર્કેટમાં દેખાયા નથી. ધંધો માંડ ૩૦થી ૪૦ ટકા જેટલો જ છે.
આ ગામના એક વેપારી કહે છે કે, આ સમય દરમિયાન અમારો ૬૦ ટકા જેટલો ધંધો થઇ ગયો હોય છે, પણ આ વર્ષે કોઇ ફરક્યું જ નથી.
બે ભાગીદારોની પેઢીથી શરૂઆત
દીવાળીપુરામાં ૫૨ વર્ષ અગાઉ ૧૯૬૮માં મૂળચંદ અને ગોલાવાલા નામના બે ભાગીદારોએ ફટાકડાનું ગોડાઉન બંધાવ્યું હતું. વર્ષો સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઓકટ્રોયના જુદા-જુદા દર હતા. તેથી વેપારીઓ ગોડાઉન પરથી આવીને ધીમે ધીમે માલ લેતા થયા હતા. ત્યારબાદ ઓક્ટ્રોય નાબૂદ થયા છતાં દીવાળીપુરામાં દુકાનો વધતી ગઇ અને સાથે-સાથે લોકપ્રિયતા પણ વધતી ગઇ.