વડોદરાઃ શહેરના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અમિત ભટનાગરના કુટુંબના સભ્યો સહિત ૯ જણા સામે બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સીબીઆઈમાં રૂ. ૬૩ કરોડના ફ્રોડની એફઆઈઆર તાજેતરમાં નોંધાવી છે. આ ષડયંત્રમાં બેંકના અજ્ઞાત અધિકારીની પણ ભૂમિકા જણાઈ આવી હોવાથી ધી પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ પણ લાગુ કરવામાં આવી છે.
અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાના ડે. જનરલ મેનેજર રાજેશ હરિરામને નોર્થવેઝ સ્પેસ લિ. કંપની તથા તેની સાથે સંકળાયેલા રાજેશ નીમકર, માધુરિતા સુરેશ ભટનાગર, મોના ભટનાગર, રિચા ભટનાગર, નમો નારાયણ ભટનાગર, સંગ્રામ જયરાજ બારોટ તથા બેંકના અજ્ઞાત અધિકારી સહિત ૯ આરોપીઓ સામે આઈપીસી મની લોન્ડરિંગ, ધી પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ પ્રમાણે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૧માં મેયફેર લેઝર્સ લિ. કંપની બની હતી. આ કંપનીએ એક ફાઈવ સ્ટાર હોટેલ બનાવવાનો પ્રોજેકટ બનાવ્યો હતો. જે પ્રોજેકટની ટોટલ કોસ્ટ રૂ. ૧૧૨.૯૩ કરોડ આંકવામાં આવી હતી. કંપનીએ વડોદરા શહેરના અટલાદરામાં આવેલી સર્વે નં. ૬૧૯ જમીન સાથેની એક બિલ્ડીંગ મોર્ગેજ મૂકી હતી. આ સાથે બેંક ઓફ ઈન્ડિયામાંથી રૂ. ૬૩ કરોડની લોન મેળવી હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે આ કંપનીનું ફોરેન્સિક ઓડિટ આર એસ પટેલ એન્ડ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું.
અમિત ભટનાગર વચગાળાના જામીન પર
વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અમિત ભટનાગર સામે બે વર્ષ પૂર્વે સીબીઆઈમાં કરોડો રૂપિયાની ઠગાઈની એફઆઈઆર દાખલ થઈ હતી. આ કેસમાં અમિત ભટનાગર હાલમાં વચગાળાના જામીન ઉપર હોવાનું જાણવા મળે છે. એફઆઈઆર દાખલ થઈ એ ગાળામાં ભટનાગર બંધુઓએ લાંબો સમય જેલવાસ ભોગવ્યો હતો. અમિત ભટનાગર હાલમાં વચગાળાના જામીન ઉપર હોવાનું જાણવા મળે છે.