વડોદરાઃ ભારતમાં આમ તો જૂન મહિના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી થાય છે, પરંતુ જન્મથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારીનો ભોગ બનેલી એક પુત્રી માટે તો રોજ ફાધર્સ ડેનો ઉત્સવ હોય છે. આવી પુત્રીની ૪૦ વર્ષથી સેવા કરનાર જાણીતા કવિ અને સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્ર આજે પણ લાડકી વિપાશા માટે ગર્વ અનુભવે છે. કારણ કે શારીરિક ક્ષતિઓ સાથે વ્હીલચેરમાં મોટાભાગની પળો વિતાવતી વિપાશા એમના મન સર્વસ્વ છે ને પુત્રી પણ પ્રેમાળ પિતાની હૂંફ વચ્ચે રોજ ફાધર્સ-ડે ઉજવે છે.
સિતાંશુભાઈની વિપાશાની બીમારી ગંભીર હતી, છતાં તેઓ જરા પણ વિચલિત થયા નહીં અને રોજિંદા જીવનમાં આવતા પડકારોનો સામનો કરતા જવાબદારી નિભાવતા રહ્યા. તેઓ કહે છે કે, ‘નોકરીના કારણે મારે વિવિધ જગ્યાએ જવું પડતું તેવા સમયે પત્નીને પેરિસ જવાનું થયું. જ્યાં વિપાશાને ફિઝિયોથેરાપીની સારવાર મળી. ત્યાં પત્નીએ પુત્રીને લઈને દોઢ-દોઢ કલાક બસ અને મેટ્રોમાં મુસાફરી કરવી પડતી.’
બે વર્ષ બદા પત્ની અંજનીને મુંબઈમાં અધ્યાપકની નોકરી મળી. આ દરમિયાન વિપાશાને મુંબઈ ચિલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પિટલમાં જ અભ્યાસની સુવિધા મળી. જ્યાં એણે ૭૨ ટકા સાથે એસએસસી અને ૮૨ ટકા સાથે એચએસસી પાસ કરી ત્યાર બાદ બી.એ.ની પદવી મેળવી. પછી વડોદરામાં મને વિપાશાની કંપની મળી. કારણ કે એ એમ.એ. કરવા માટે વડોદરા આવી હતી.
જોકે એની સારવાર માટે મારે મારી દિનચર્યામાં ફેરફારો કરવા પડતા ને ઘણાં કામ પેન્ડિંગ રાખવા પડતા હતા પણ એમાંય મને આનંદ આવતો કારણકે વિપાશાના સંભાળ માટે હું વધુ સમય ફાળવી શકતો હતો. બીમારી વચ્ચે પણ વિપાશા એમ.એ. થઈ અને ફિલોસોફીમાં ડોક્ટરેટ થઈને એણે અમેરિકામાં સ્થાયી થવાનું નક્કી કર્યું. અમે એના માટે અગાઉથી અમેરિકા જઈને ત્યાંની સરકાર, ત્યાંના નાગરિકોને અપાતી સુવિધાઓ પુત્રીને મળે એ માટે વ્યવસ્થા કરી.
બોલવા-ચાલવામાં તકલીફના કારણે વ્હીલ ચેરનો આશરો લેવો પડે, એવી સ્થિતિમાં વિપાશાએ પીએચ.ડી કરવા સાથે લેખન-વાંચન અને અનુવાદનાં મનપસંદ કાર્યો કર્યા પણ એ માટે માતા અંજનીબેને સાયકોલોજીમાં ડોક્ટરેટ કરવાની ઇચ્છાનો ભોગ આપવો પડ્યો હતો.