સફાઈ અભિયાનમાં પ્રાચીન મૂર્તિઓ મળીઃ વડોદરામાં સિદ્ધનાથ મંદિર પાસેથી ૨૦૦૦ વર્ષ જૂની વાવની સ્થાનિક પ્રજાજનો દ્વારા સફાઇ કરાતાં શિવલિંગ, પાર્વતી અને ગણપતિની મૂર્તિ મળી આવતી હતી. ઐતિહાસિક મહત્વ ધરાવતાં આ શહેરની ફરતે આવેલી નવનાથની વર્તમાન સ્થિતિ સુધારવા વડોદરા શહેર નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા નવનાથના તમામ મંદિરોની સફાઇ ઝુંબેશ શરૂ કરાઇ છે. અગાઉ અહીં પ્રાથમિક સફાઇ ટાણે ઇ.સ. ૧૩૨૫ લખાણ લખેલ એક શિલાલેખ પણ મળ્યો હતો. આ વાવ ૨૦૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂની હોવી જોઇએ. અત્યારના તબક્કે તો વાવ ૩૦ ફૂટથી વધુ ઉંડી હોવાનુ મનાય છે.
રૂણ, પેટલી અને દેવાવાંટા સોજીત્રા તાલુકામાં જ રહેશેઃ સોજીત્રા તાલુકાના રૂણ, દેવાવાંટા અને પેટલી ગામોને ખેડા જિલ્લાના નવરચિત વસો તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણયને રદ કરી રાજ્ય સરકારે આ ત્રણ ગામોને સોજીત્રા તાલુકામાં જ રાખવા નિર્ણય કર્યો છે. આ ગામોનો નવરચિત વસો તાલુકામાં સમાવેશ કરતાં ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો હતો. આ ત્રણ ગામના લોકોને તેમના રોજિંદા વહીવટી કામ માટે છેક વસો સુધી લાંબા થવું પડતું હતું.
સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપની જીતઃ આણંદ જિલ્લા સહકારી સંઘની ગત સપ્તાહે યોજાયેલી ચૂંટણી ભારે રસાકસી ભરી રહી હતી. જેમાં વ્યક્તિગત સભાસદમાં ભાજપના સી. ડી. પટેલની પેનલ વિજય રહી હતી, જ્યારે તાલુકામાં આઠમાંથી પાંચ સભ્યો કોંગ્રેસના ચૂંટાયાં હતાં. સોજિત્રામાં રજનીકાંત જશભાઈ પટેલ અને ઉમરેઠમાં સુનીલભાઈ ભાનુભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા હતાં.