વડોદરાઃ છેલ્લા 90 દિવસથી સેન્ટ્રલ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાયેલા વડોદરાના એન્જિનિયર હર્ષવર્ધન શૌચે સહિતના બંધકોને નાઈજિરિયા લઇ જવાનો નિર્ણય લેવાતાં તેમના પરિવારમાં ચિંતા વધી છે.
બંધકો પૈકીના એક યુવકે આ અંગેનો એક વીડિયો પણ મોકલાવ્યો છે. વીડિયો મળતાં શૌચે પરિવારમાં ગમગીની વ્યાપી હતી અને હકીકતની જાણ સાસંદ રંજનબેન ભટ્ટને કરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરના અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં શિવાશીષ ફ્લેટમાં રહેતા હર્ષવર્ધન મુકુંદભાઈ શૌચે ફેબ્રુઆરી માસમાં ઇક્વિટેરિયલ ગિની ખાતે ગયા હતા. શિપમાં નોકરી ઉપર હતા તે દરમિયાન સિક્યુરિટીએ પકડી લીધા હતા. તે વાતને 90 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી વડોદરાના હર્ષવર્ધન શૌચે સહિત 26 ભારતીયોનો છૂટકારો થયો નથી.
આ દરમિયાન બંધકો પૈકીના એક યુવકે વીડિયો મોકલી જણાવ્યું છે કે હવે નાઇજીરિયા અમારો કબજો લઇ રહ્યું છે જે ગેરકાયદે છે. શૌચે પરિવારજનોએ જણાવ્યું હતું કે હર્ષવધન સહિત તમામ 26 ક્રૂ મેમ્બરનો કબજો નાઇજીરિયાએ લેવાનો નિર્ણય કર્યો છે, જેથી અમે વધુ ચિંતિત બન્યા છે. આ અંગે અમે સાંસદ રંજનબેન ભટ્ટનો સંપર્ક કરી હકીકત વર્ણવી હતી અને રંજનબેને તુરંત જ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને ત્વરીત બંધકોને છોડાવવા માટે રજૂઆત કરી હતી.