આણંદઃ પેટલાદ તાલુકાના બાંધણી ગામની જમીન પર કબ્જો કરી બાનાખત બનાવી ૪૦.૪૦ લાખ રૂપિયા આપવાની વાત કરી માત્ર દોઢ લાખ રૂપિયા આપી બાકીના રૂપિયા નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી જમીન પચાવી પાડતા આ બનાવ અંગે મહેળાવ પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બાંધણી ગામે જવાહર ચોકમાં રહેતા અને હાલ યુકેમાં વસતાં સ્વિટી અજયભાઈ ચંદ્રકાન્ત પટેલની બાંધણી ગામની સીમમાં જમીન આવેલી છે. આ જમીન ઉપર રમણભાઈ મંગળભાઈ લાખાણી સહિત ત્રણ જણાએ કબ્જો જમાવી રૂ. ૪૦.૪૦ લાખમાં વેચાણ આપવાની વાત કરી હતી. સ્વિટીએ આ વેચાણ ઓફર સ્વીકારતાં આરોપીઓએ જે તે સમયે દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. જોકે બાદમાં આરોપીઓએ બાકીના પૈસા નહીં આપીને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી તેમજ જમીન બાબતે ધાકધમકીઓ આપતાં હતા.
આ અંગે સ્વિટી અજયભાઈ પટેલે લેન્ડ ગ્રેબીંગ સમિતિ સમક્ષ અરજી કરી હતી. જે ચાલી જતા આ બનાવ અંગે સ્વિટી અજયભાઈ ચંદ્રકાન્ત પટેલે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બાંધણી ગામના રમણભાઈ મંગળભાઈ લાખાણી, સંજયકુમાર રમણભાઈ લાખાણી અને પેટલાદના રમણભાઈ ડાહ્યાભાઈ પટેલ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.